ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 જાન્યુઆરી 2018 (11:49 IST)

ભાજપ-આરએસએસના એકેય નેતાએ પ્રવિણ તોગડિયાના ખબરઅંતર પૂછયાં નહીં, હાર્દિક,મોઢવાડિયા,વણઝારા સિવાય કોઇ ફરક્યું નહીં

ધોતિયાકાંડ-ગોધરાકાંડના હિરો ગણાતાં પ્રવિણ તોગડિયા હોસ્પિટલના બિછાને છે છતાંયે એકેય ભાજપ કે આરએસએસના નેતાએ ખબરઅંતર પૂછ્યા ન હતાં. હાર્દિક પટેલ,અર્જૂન મોઢવાડિયા અને ડી.જી.વણઝારાને બાદ કરતાં કોઇએ હિંદુવાદી નેતાની તબીયત કેવી છે તે જાણવામાં જરાયે રસ દાખવ્યો ન હતો. એન્કાઉન્ટર અને રાજસ્થાન પોલીસની ધરપકડના બીકે પ્રવિણ તોગડિયા આઠ કલાકથી વધુ અજ્ઞાાતવાસમાં રહ્યાં હતાં જેના પગલે વીએચપીના કાર્યકરો લાગણીવશ થઇ રોડ પર ઉતરી આવ્યા હતાં.

આજે જયારે તોગડિયાના ત્રાગા વિશે પોલીસે ખુદ ભાંડો ફોડયો કે, તેઓ ખુદ કોતરપુર સુધી કારમાં ગયા હતાં,ઘેરથી નીકળ્યાં ત્યારે જ ચંદ્રમણિ હોસ્પિટલના ડૉક્ટરને ફોન કરી દેવાયો હતો. આ આખાય નાટક બાદ તોગડિયાને કદાચ એમ હશે કે,ચાહકો,મિત્રો,રાજકીય નેતા,કાર્યકરો તબીયત પૂછવા હોસ્પિટલ પર ઉમટી પડશે પણ આ આખીય વાત ખોટી સાબિત થઇ. હિંદુ હૃદય સમ્રાટને આખોય દિવસ પૂછવા હોસ્પિટલમાં કોઇ ફરક્યુ નહી.ખાસ કરીને એકેય ભાજપનો નેતા-મંત્રી ડોકાયો ન હતો. એવી ચર્ચા ચાલી કે, એવો તો કોનો ડર છેકે, હિતેચ્છુ ય હોસ્પિટલમાં આવતા ડરે છે. સોશિયલ મિડિયામાં ય આ મુદ્દો છવાયો હતો.