ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 માર્ચ 2018 (13:16 IST)

આરોગ્ય વિભાગના અંધેરતંત્રને લીધે ખાનગી હોસ્પિટલોને બખ્ખાં ગામડાંઓમાં સરકારી હોસ્પિટલો રામભરોસે

ગુજરાતના ગામડાઓમાં સરકારી હોસ્પિટલોનું તંત્ર ખાડે ગયુ છે. ડૉક્ટર અને સ્પેશ્યાલિસ્ટ વિના સરકારી હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન બની રહી છે ત્યારે ગરીબ દર્દીઓ સારવાર મેળવવા ખાનગી હોસ્પિટલે જવા મજબૂર બન્યા છે તેનુ કારણ એછેકે,ગ્રામિણ વિસ્તારમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સર્જન,ગાયનેક અને ફિઝિશિયનો જ નથી. વર્ષ ૨૦૧૭,માર્ચના એક રિપોર્ટ અનુસાર, સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં રાજય સરકારે સર્જન, ગાયનેક, ફિઝિશિયન માટે જગ્યાઓ તો મંજૂર કરી દીધી છે પણ તે જગ્યાઓ આજેય ખાલીખમ પડી રહી છે.

રાજ્ય આરોગ્ય વિભાગ ભરતી જ કરતુ નથી. આ ઉપરાંત સરકારી હોસ્પિટલોની હાલત જોઇને ડૉક્ટરો ગામડાઓમાં જવા જ તૈયાર થતા નથી. આ સંજોગોમાં ગરીબ દર્દીઓને તબીબી સારવાર મેળવવા નાછુટકે શહેરો સુધી આવવુ પડે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ડૉક્ટરોની ૧૩૯૨ જગ્યાઓ મંજૂર કરાઇ છે જેની સામે હજુય ૧૬૩ ડૉક્ટરોની ઘટ વર્તાઇ રહી છે. સર્જનની ૩૬૩ જગ્યાઓ મંજૂર કરાઇ છે પણ માત્ર ૨૭ સર્જન ફરજ બજાવી રહ્યા છે. ગાયનેકની પણ ૩૬૩ જગ્યાઓ સામે ૩૭ ગાયનેક તબીબોની જ ભરતી કરવામાં આવી છે. ૩૬૩ ફિઝિશિયનોની જગ્યા મંજૂર કરાઇ પણ ૯ જ ફિઝિશિયનો ફરજ બજાવી રહ્યા છે. બાળરોગો નિષ્ણાતોની ય ૩૪૪ જગ્યાઓ ખાલીખમ પડી રહી છે. આમ, રાજ્ય આરોગ્ય વિભાગના અંધેર વહીવટને લીધ ગામડાઓમાં પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર રામભરોસે છે.