2017ની માત્ર ત્રણ દિવસની વાઈબ્રન્ટ સમિટમાં પ્રજાના 71 કરોડ ખર્ચાઈ ગયાં
ગાંધીનગર ખાતે જાન્યુઆરી ૨૦૧૭માં યોજાયેલ વાઈબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં અત્યાર સુધીમાં કુલ રૂપિયા ૭૧.૧૭ કરોડ કરતા વધારે ખર્ચ કરવામાં આવ્યો છે. માત્ર ત્રણ દિવસ માટે યોજાયેલ આ સમિટમાં ખર્ચાયેલા કરોડો રૂપિયામાં હોસ્પિટાલીટી અને હોટલ્સ સહિત કોફી ટેબલ બુકના ખર્ચનો પણ સમાવેશ થાય છે. જેમાં વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓ સહિત પાર્ટનર દેશો સહિત વિદેશી મહાનુભાવોની સરભરા પાછળ પણ લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીમાં ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા દ્વારા વાઈબ્રન્ટ સમિટ-૨૦૧૭ પાછળ થયેલા ખર્ચ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે.
જેના લેખિત જવાબમાં મુખ્યમંત્રી (ઉદ્યોગ) ધ્વારા જણાવ્યું છે કે, તા.૩૧-૧૨-૧૭ની સ્થિતિએ જુદી જુદી બાબતો માટે કુલ રૂપિયા ૭૧,૧૭,૫૯,૩૭૭નો ખર્ચ કરવામાં આવ્યો છે.જેમાં વાઈબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટના પ્રમોશનલ સાહિત્ય છપાવવા, નોલેજ પાર્ટનર, પાર્ટનર-વીજી-૨૦૧૭ સેમીનાર, મીડિયા-વીજી-૨૦૧૭, પ્રમોશનલ ડેલીગેશન વિઝીટ, સોવીનીયર,વેબસાઈટ વાઈફાઈ ક્રીએશન અને ઇવેન્ટ મેનેજમેન્ટ પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇન્ટર નેશનલ ડેલીગેશન, વહીવટી ખર્ચ, ટ્રાન્સપોર્ટ અને હોસ્પિટાલીટી, પબ્લિક રીલેશન એક્ટીવીટી ,પીઆર એજન્સી, પરચુરણ ખર્ચ, એન્ટરટેઈનમેન્ટ,વેલ્યુ વેબ, પ્રોજેક્ટ એજન્સી, કોમ્પ્યુટર અને હાર્ડવેરની ખરીદી, ક્રિએટીવ એજન્સી, હોસ્પિટાલીટી અને હોટલ્સ, ઓડીટ ફી, કોફી ટેબલ બુક અને પ્રદર્શન પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે.