ભચાઉના ભાજપ પ્રમુખનો દીકરો વિદેશી દારૂ સાથે પકડાયો
રાજ્યમાં દારૂની દાણચોરી કરવાના આરોપસર ભચાઉના એક રાજકીય નેતાના 24 વર્ષીય દીકરાની મંગળવારના રોજ ધરપકડ કરવામાં આવી છે. રેલવે પોલીસ દ્વારા ગાંધીધામ રેલવે સ્ટેશન પરથી અભિષેકની 354 IMFLની બોટલ અને 96 બિયરના ટિન્સ સાથે અટકાયત કરવામાં આવી હતી. અભિષેક ભચાઉના ભાજપના પ્રેસિડન્ટ ઉમિયાશંકર જોશી અને કાઉન્સિલર માલતી જોશીનો દીકરો છે. PSI સી.એમ.સોંદરવા આ બાબતે જણાવે છે કે, મંગળવારે સવારે અમે રેગ્યુલર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે અમે અભિષેકને કચ્છ એક્સપ્રેસમાંથી ઉતરતા જોયો. ટ્રેન બાંદ્રાથી આવી હતી અને ભુજ તરફ જઈ રહી હતી.
અભિષેકના હાથમાં ટ્રોલી બેગ હતી જે ઘણી વજનદાર જણાઈ રહી હતી. બેગ જોઈને અમને તેના પર શંકા થઈ અને બેગ ચેક કરવામાં આવી તો અમને તેમાંથી અલગ અલગ બ્રાન્ડ્સનો 45,300ની કિંમતનો વિદેશી દારૂ મળ્યો. પોલીસે અભિષેકની ધરપકડ કરી અને તેને કોર્ટ સમક્ષ હાજર કર્યો. કોર્ટે અભિષેકને 6 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો. PSIએ આગળ જણાવ્યું કે, અમે તપાસ કરી રહ્યા છીએ કે તે દારૂ ક્યાંથી લાવ્યો અને ક્યાં વેચવાનો હતો. આ સિવાય અમે તપાસ કરી રહ્યા છીએ કે અભિષેક અવારનવાર રાજ્યની બહાર જાય છે કે કેમ. 2011માં ભચાઉમાં થયેલા એક મર્ડરના કેસમાં પણ અભિષેકની સંડોવણી હોવાને કારણે તેની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ ત્યારે તે સગીર હોવાને કારણે તેને જામીન મળી ગયા હતા. અમારા સહયોગી અમદાવાદ મિરરે ઉમિયાશંકર જોશીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.