સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 24 ફેબ્રુઆરી 2018 (13:25 IST)

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી 23 માર્ચે: ભાજપના 4 સભ્યોના ભાવી દાવ પર

આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં નિવૃત્ત થઇ રહેલા રાજ્યસભા સભ્યોની સીટો ભરવા માટે દ્રિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ચૂંટણી પંચે કેરળ રાજ્યની એક સીટ પર પેટાચૂંટણી પણ કરાવવાની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 16 રાજ્યોમાંથી રાજ્યસભા માટે ચૂંટાયેલા 58 સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે. આ માટે ગુજરાત સહિત 16 રાજ્યોમાં 58 રાજ્યસભા બેઠકો માટે 23 માર્ચના રોજ મતદાન થશે. રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 12 માર્ચ છે.

ગુજરાતમાંથી પણ રાજ્યસભાના ચાર સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે જે તમામ સભ્યો ભાજપના છે. ભાજપમાં જે ચાર રાજ્યસભાના સભ્યાનો કાર્યાકાળ સમાપ્ત થઇ રહ્યો છે તેમાં કેન્દ્રિય નાણામંત્રી અરુણ જેટલી, પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા અને શંકરભાઇ વેગડનો સમાવેશ થાય છે. રાજ્યસભાના સભ્યો ચૂંટણી માટે રાજ્યના ધારાસભ્યોએ મતદાન કરવાનુ હોય છે. ગુજરાત વિધાનસભાની તાજેતરના મહિનાઓમાં યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકોમાં વધારો થયો છે જ્યારે ભાજપની બેઠકો ઘટી છે. જેથી ભાજપના એક અથવા તો બે ચાલુ રાજ્યસભા સભ્યો ઓછા થવાની શક્યતા છે.

એક તરફ આ ચૂંટણીમાં કેન્દ્રિય નાણામંત્રી અરુણ જેટલીનો કાર્યકાળ પણ પૂર્ણ થયો છે ત્યારે હવે જોવુ રહ્યુ કે ભાજપમાંથી કોની ટિકિટ કપાય છે અને કોંગ્રેસમાંથી કોણ નવો ચહેરો રાજ્યસભામાં જાય છે. ગત વર્ષે જ રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાં યોજાઇ ત્યારે અહેમદ પટેલને હરાવવા માટે ભાજપે એડિચોટીનું જોર લગાવી દીધુ હતું ત્યારે હવે ફરી વખત ગુજરાતના રાજકારણમાં નવા વળાંક જોવા મળે તો નવાઇ નહીં.