રાજદ્રોહ કેસમાં સેસન્સ કોર્ટે હાર્દિક પટેલની ડિસ્ચાર્જ અરજી ફગાવી
રાજદ્રોહ કેસમાં પાટીદાર આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે કરેલી ડિસચાર્જ અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે આ સાથે જ કોર્ટે ચુકાદામાં એવી નોંધ મુકી હતી કે તાજના સાક્ષી કેતન પટેલના સીઆરપીસીની કલમ 164ના નિવેદનમાં એવી હકીકત સામે આવી છે કે આરોપી દ્રારા જુદી જુદી જગ્યાઓએ ભાષણો કરવામાં આવેલા જુદા જુદા લોકોની વાતચીતમાં આરોપી સામે પુરાવાઓ છે આરોપીએ સહ આરોપી સાથે પૂર્વ આયોજિત કાવતરૃ રચી કૃત્ય આચરેલ છે અને સરકારની સલામતીને ભયમાં મુકી હતી ત્યારે આવા ગંભીર કેસમાં આરોપીને ડીસચાર્જ કરી શકાય નહી.
હાર્દિક પટેલે કરેલી ડિસચાર્જ અરજીમાં એડવોકેટે એવી રજૂઆત કરી હતી કે, આખો કેસ ખોટો છે, આંદોલન દબાવી કાઢવા માટે ખોટી રીતે કેસ ઉભો કરવામાં આવ્યો છે, કેસ રાજકીય દબાણના કારણે કરવામાં આવ્યો છે, આ કેસમાં કોઇ જ પુરાવા મારી સામે નથી ગુજરાતમાં શાંતિ ડહોળાય એવું કોઇ જ નિવેદન ક્યારેય કર્યું નથી, જે લોકોએ શાંતિ ડહોળાય એવા નિવેદનો પાટીદાર અનામત આંદોલન વખતે કર્યા એ લોકો પર હવે ભાજપ સરકારના ચાર હાથ છે, ચાર્જશીટમાં રજૂ કરેલી ટ્રાન્સસ્ક્રીપ્ટ અલગ અલગ જગ્યાએ બોલાયેલી વાતોને તોડી મરોડી અને જોડી રજૂ કરવામાં આવી છે. તેથી આ કેસ બનતો જ નથી. જ્યારે સ્પેશિયલ સરકારી વકીલ એમ.એમ. ધ્રુવ, અમીત પટેલ અને સુધીર બ્રહ્મભટ્ટે અરજીનો વિરોધ કરતા એવી દલીલ કરી હતી કે આરોપી સામે ગંભીર પ્રકારનો કેસ છે આખુ આયોજન હાર્દિકે કર્યુ હતુ અને તેની તેના ફોનકોલ રેકોર્ડમાં પણ લોકોને ભડકાવવામાં આવેલા હતા. આરોપીના આવા કૃત્યોને કારણે તોફાન ફાટી નીકળયા હતા અને આગ ચંપીના બનાવો બન્યા હતા. આરોપી સામે રાજદ્રોહ જેવો ગંભીર કેસ છે ત્યારે આવા આરોપીને આ રીતે ડીસચાર્જ કરી શકાય નહી. સેસન્સ જજ ડી. પી. મહીડાએ હાર્દિકની અરજી ફગાવી દેતા ચુકાદામાં એવી પણ નોંધ મુકી છે કે આ કેસમાં આરોપી હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલ સામે આગળની ઈન્સાફી કાર્યવાહી ચલાવવામાં આવે જેથી હવે આગળની 21 માર્ચના રોજ કેસની સુનાવણી વખતે હાર્દિક પટેલ સામે ચાર્જ ફ્રેમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.