વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્યોએ સરેરાશ રૃ. ૧૬.૪૫ લાખ ખર્ચ્યા
સામાન્ય રીતે મધ્યમ વર્ગના એક પરિવાર માટે રૃ. ૧૮ લાખથી વધુની મૂડી સુધી પહોંચવા સમગ્ર જીવન ખર્ચાઇ જતું હોય છે. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 'જનસેવા' કરવા માટે ચૂંટાયેલા ધારાસભ્યોએ બે સપ્તાહમાં જ સરેરાશ રૃ. ૧૬.૪૫ લાખનો ચૂંટણી ખર્ચ કર્યો છે. જેમાંથી ભાજપના ૯૯ ધારાસભ્યોએ રૃ. ૧૭.૩૪ લાખ, કોંગ્રેસના ૭૭ ધારાસભ્યોએ રૃ. ૧૫.૯૯ લાખનો સરેરાશ ચૂંટણી ખર્ચ કર્યો છે. ગુજરાત ઇલેક્શન વોચ અને એસોસિયેશન ફોર ડેમોક્રિટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા ગત ડિસેમ્બરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ૧૮૨ ધારાસભ્યોએ ચૂંટણી દરમિયાન કેટલો પ્રચાર ખર્ચ કર્યો તેની વિગતો જાહેર કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી લડનારા પ્રત્યેક ઉમેદવાર માટે રૃ. ૨૮ લાખની ચૂંટણી ખર્ચ મર્યાદા નક્કી કરાયેલી છે. ગુજરાતના ૧૮૨ ૫૪ એટલે કે ૩૦% ધારાસભ્યોએ ચૂંટણી પંચની મર્યાદા સામે ૫૦% ઓછો ખર્ચ કર્યો છે. ૧૮૨ ધારાસભ્યોએ સરેરાશ રૃ. ૧૬.૪૫ લાખનો ચૂંટણી ખર્ચ કર્યો છે, જે ખર્ચ મર્યાદાના ૫૯% છે. આ ૧૮૨માંથી ૪૭ ધારાસભ્યો એવા છે જેમણે સ્ટાર પ્રચારક સાથે જાહેર સભા, રેલી પાછળ એક પૈસો નહીં ખર્ચ્યો હોવાની કબૂલાત કરી છે. ૭ ધારાસભ્યોએ સ્ટાર પ્રચારક વિનાની જાહેરસભા-રેલી પાછળ કોઇ નાણા ખર્ચ્યા નથી. ૬૨ ધારાસભ્યોએ ઇલેક્ટ્રોનિક કે પ્રિન્ટ મીડિયાથી પ્રચાર કરવા માટે કોઇ નાણા નહીં ખર્ચ્યા હોવાનો એકરાર કર્યો છે. ચૂંટણી જીતવા માટે કાર્યકરોનો સાથ ખૂબ જ મહત્વનો હોય છે. પરંતુ ૨૭ ધારાસભ્યોએ પ્રચાર કરતા કાર્યકર્તાઓ પાછળ કોઇ જ ખર્ચ કર્યો નથી. ૪૬ ધારાસભ્યોએ એમ જાહેર કર્યું છે કે તેમણે પોતાના રાજકીય પક્ષ પાસેથી કોઇ ફંડ લીધું નથી. આ ઉપરાંત કુલ ૧૧૬ ધારાસભ્યો એવા છે જેમણે કોઇ વ્યક્તિ-કંપની-પેઢી-એસોસિયેશન પાસેથી લોન-ભેટ કે ડોનેશન સ્વરૃપે કોઇ નાણા સ્વિકાર્યા નથી. ભાજપના ૫૬% અને કોંગ્રેસના ૮૦% ધારાસભ્યોએ પોતાના પક્ષ પાસેથી ફંડ લીધું છે.
મુખ્યમંત્રી વિજય રૃપાણીએ રૃ. ૧૯.૩૨ લાખનો ખર્ચ કર્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ઝુકાવનારા મુખ્ય મંત્રી વિજય રૃપાણી-તેમના ઇલેક્શન એજન્ટ દ્વારા રૃ. ૧૭.૬૫ લાખ, તેમના પક્ષ દ્વારા રૃ. ૧.૬૭ લાખ એમ કુલ રૃ. ૧૯.૩૨ લાખનો ચૂંટણી ખર્ચ કરવામાં આવ્યો હતો. આમ, મુખ્યમંત્રી નિર્ધારીત ચૂંટણી ખર્ચ સામે ૬૯% રકમનો ખર્ચ કર્યો હતો. વિજય રૃપાણીએ મુખ્યત્વે જાહેર સભા-સરઘસ-રેલી પાછળ રૃ. ૩.૮૩ લાખ, સ્ટાર પ્રચારકો સાથેની જાહેર રેલી પાછળ રૃ. ૪.૬૮ લાખ, પ્રચારવાહનો પાછળ રૃ. ૫.૮૧ લાખનો ખર્ચ કર્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મહેસાણા બેઠક પરથી વિજય મેળવ્યો હતો. નીતિન પટેલ-તેમના ઇલેક્શન એજન્ટ દ્વારા રૃ. ૧૪.૪૧ લાખ, તેમના પક્ષ દ્વારા રૃ. ૧.૯૫ લાખ એમ કુલ રૃ ૧૬.૩૭ લાખનો ચૂંટણી ખર્ચ કરવામાં આવ્યો હતો. જે નિર્ધારીત ચૂંટણી ખર્ચ મર્યાદાના ૫૮% છે.
સૌથી ઓછો ચૂંટણી ખર્ચ કરનારા ધારાસભ્યો
રતનસિંહ રાઠોડ લુણાવાડા અપક્ષ રૃ. ૩.૦૦ લાખ ૧૧%
ભરતજી ઠાકોર બેચરાજી કોંગ્રેસ રૃ. ૩.૮૧ લાખ ૧૪%
જીજ્ઞેશ મેવાણી વડગામ (એસસી) અપક્ષ રૃ. ૫.૨૦ લાખ ૧૯%
કાંધલ જાડેજા કુતિયાણા એનસીપી રૃ. ૫.૭૪ લાખ ૨૧%
ઇન્દ્રજીતસિંહ પરમાર મહુધા કોંગ્રેસ રૃ. ૬.૩૮ લાખ ૨૩%