ચૂંટણીમાં કટકીની ફરિયાદ કોંગ્રેસના હાઈકમાન્ડ સુધી પહોંચી, સ્થાપના દિને એકેયના ફરક્યો
વિધાનસભાની ચૂંટણી પછી કોંગ્રેસમાં પરાજયના કારણોમાં એક પછી એક ખુલાસામાં હવે ચૂંટણી ફંડની ‘કટકી’-નાણાંની લેતી-દેતીના ગંભીર આક્ષેપો થવા લાગ્યા છે. ઉમેદવારોને ચૂંટણી લડવા માટે આપવામાં આવેલાં ફંડમાંથી બારોબાર લાખો રૂપિયા ઉપાડી લેવાયાની ફરિયાદ ઊઠી છે. કોંગ્રેસના ૩૦ જેટલા ઉમેદવારોએ તેમને ફાળવવામાં આવેલાં ફંડના દુરુપયોગની ફરિયાદથી કોંગ્રેસના ટોચના નેતાઓ પણ ચોંકી ઊઠ્યા છે. આ ઉમેદવારોએ દિલ્હી સુધી નાણાંની લેતી-દેતી અંગે ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે.
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટણી લડવા, પ્રચાર-પ્રસાર માટે કેટલાયે ઉમેદવારોને રૂ. ૨૫થી રૂ. ૩૦ લાખ આપવાનું ઠરાવાયું હતું. સિટીંગ ધારાસભ્યોમાંથી મોટાભાગના ધારાસભ્યોએ પોતાના ખર્ચે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. આ ફંડમાં કઈ રીતે ‘કટકી’ કરવામાં આવી હતી, તેનું વર્ણન કરતાં એક ઉમેદવારે જણાવ્યું કે, પાર્ટી દ્વારા જ્યારે ફંડ આપવામાં આવ્યું ત્યારે તેમની પાસેથી સેલ્ફનો કોરો ચેક લેવામાં આવ્યો હતો. જે તે ઉમેદવારના ટેકેદાર અથવા વિશ્વાસુ દ્વારા આર્થિક વ્યવહાર કરવામાં આવતો હોવાથી જે તે વખતે ઉમેદવારોએ વિશ્વાસ રાખીને કોરો ચેક લખી આપ્યો હતો, ચૂંટણી પૂરી થયા બાદ જ્યારે આર્થિક હિસાબો તપાસવામાં આવ્યા ત્યારે કેટલાયે ઉમેદવારોની જાણ બહાર આ કોરા ચેકમાંથી પાંચ-પાંચ લાખ રૂપિયાની રોકડ બારોબાર પગ કરી ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ ઉમેદવારોએ તરત જ આ અંગેની ફરિયાદ કરતાં નેતાઓ ચોંકી ઊઠ્યા હોવાનું કોંગ્રેસના આંતરિક સૂત્રોએ જણાવ્યું છે. કોંગ્રેસભવન ખાતે ગુરુવારે સવારે પક્ષના ૧૩૩મા સ્થાપના દિનની ઉજવણી કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સેવાદળની સલામી ઝીલીને ધ્વજવંદન કરીને સ્થાપના દિનની ઉજવણી કરી હતી, આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ ચેતન રાવલ સહિતના ગણ્યાગાંઠ્યા હોદ્દેદારોને બાદ કરતાં કોઈ ફરક્યું નહોતું. શહેરમાંથી બે ધારાસભ્યો હાજર રહ્યા હતા, જ્યારે બે ધારાસભ્યો, વોર્ડ પ્રમુખો, કોર્પોરેટરો સહિતના સંખ્યાબંધ પદાધિકારીઓ ગેરહાજર રહ્યા હતા.વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ધારણા કરતાં ઓછી બેઠક મળવા પાછળના કારણો અંગેની સમીક્ષા બેઠક દિલ્હીમાં આગામી સપ્તાહે યોજાવાની છે, પરંતુ તે પહેલાં પ્રદેશ સ્તરે હાથ ધરવામાં આવેલી સમીક્ષામાં ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પ્રોફેસર અને વકીલ જેવા પ્રોફેશનલ્સની ટિકિટ ફાળવણીમાં બાદબાકીથી ભારે નારાજગી ફેલાઈ છે.