હાઈકોર્ટના ચુકાદા બાદ દોઢ લાખ શિક્ષકોની નોકરી જોખમમાં મુકાઈ
બુધવારે ગુજરાત સરકારના ફી નિર્ધારણ-2017ના કાયદાને યોગ્ય ઠેરવતા હાઈકોર્ટે કહ્યું કે સ્કૂલો મનફાવે તે રીતે ફી ન ઉઘરાવી શકે. સ્કૂલોનો ઉદેશ્ય નફાખોરીનો ન હોઈ શકે. તેની સાઇટ ઇફેક્ટના ભાગરૂપે ખાનગી સ્કૂલોમાં કામ કરતા શિક્ષકો અને સહાયક સ્ટાફ પર ચિંતાના વાદળો ઘેરાયા છે. ખાનગી સ્કૂલોમાં કામ કરતા શિક્ષકોને હવે નોકરી જવાનો ભય સતાવી રહ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતમાં કુલ 9,384 ખાનગી પ્રાથમિક શાળા, 3,831 માધ્યમિક અને 3,032 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે.
આ શાળાઓ હવે મનફાવે તેવી ફી નહીં ઉઘરાવી શકે. સરકારના ફી નિર્ધારણ કાયદા પ્રમાણે હવે સંચાલકો 15, 25 અને 27 હજારના સ્લેબમાં જ ફી ઉઘરાવી શકશે. આ ઉપરાંત જો કોઈ વધારાની ફી ઉઘરાવવા માંગતા હોય તો તેમણે ફી નિર્ધારણ સમિતિ સમક્ષ રજુઆત કરવી પડશે. કમિટિ જેટલી રકમની મંજૂરી આપશે તેટલી ફી જે તે સ્કૂલ ઉઘરાવી શકશે. એક અંદાજ પ્રમાણે રાજ્યમાં ખાનગી સ્કૂલોમાં 1.60 લાખ જેટલા શિક્ષકો કામ કરી રહ્યા છે. ચુકાદાની સાઈટ ઇફેક્ટને પગલે તેમની નોકરી અને પગાર પર તરાપ આવી શકે છે. અમુક લોકોની નોકરી જવાની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે. કોર્ટના ચુકાદાથી ખાનગી સ્કૂલોમાં નોકરી કરતા શિક્ષકો શોષણનો ભોગ બનશે.એક રિપોર્ટ પ્રમાણે ખાનગી શાળાઓમાં પહેલેથી જ ઓછો પગાર આપીને શિક્ષકોનું શોષણ થતું આવ્યું છે, હવે તેમાં વધારો થશે. શિક્ષકોને નોકરી માંથી પાણીચું પણ આપી દેવાઈ તો નવાઈ નહિ! આ ચુકાદા બાદ સ્કૂલોમાં શિક્ષણનું સ્તર કથડવાની ચિંતા સેવવામાં આવી રહી છે. ચુકાદાની આડઅસર એવી પણ થઈ શકે છે કે ખાનગી સ્કૂલો પોતાના વધારાને કે રૂટિન સ્ટાફને છૂટ્ટો કરી શકે છે. આવક ઘટતા ખાનગી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવતા ઈત્તર પ્રવૃત્તિઓ બંધ થશે. ખાનગી સ્કૂલો અઠવાડિયામાં એક દિવસ સ્કૂલ બહાર કોઈ ને કોઈ પ્રવૃત્તિઓ કરતી હોય છે.આ ઉપરાંત, ફી નિર્ધારણ માટે જે સમિતિ રચના કરવામાં આવી છે તેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે. ઝોન પ્રમાણે બનેલી આ સમિતિઓના સભ્યોને અત્યારથી જ પ્રભાવમાં લાવવાનું કામ કેટલાક સંચાલકોએ શરુ કરી દીધું છે. આ સંચાલકો દ્વારા આપવામાં આવેલા "ફી નિર્ધારણ" ના પ્રસ્તાવો આ સમિતિઓને આપવાના શરુ કરી દેવાયા છે. એટલે આ સાંઠગાંઠને લીધે કરપ્શન ફૂલશે ફળશે તેમાં કોઈ બેમત નથી