અરવલ્લી હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ કેસ : મૃતકના ભાઈએ કર્યો આપઘાત
અરવલ્લીમાં થયેલો ભેદી બ્લાસ્ટ તપાસમાં ગ્રેનેડથી થયો હોવાનું ખૂલ્યું હતું જે બાદ પોલીસ પરિવાર સહિત શંકાના દાયરામ આવેલા તમામ લોકોની સધન તપાસ હાથ ધરી હતી. પણ હવે અરવલ્લીમાં ગ્રેનેડ બ્લાસ્ટ મામલે ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. બ્લાસ્ટમાં મૃતક યુવકના નાના ભાઈ કાંતિ ફણેજાએ ગોઢફુલ્લા ગામે ઝાડ પર ગળેફાંસો ખાઇ આપઘાત કરતાં ચકચાર મચી છે. પોલીસ દ્વારા સતત દબાણથી આપઘાત કર્યાનો પરિવારનો આક્ષેપ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લાના શામળાજીના ગોઢકુલ્લા ગામ ખાતે 29 ઓગસ્ટના રોજ ભેદી ધડાકો થયો હતો. આ ધડાકામાં એક યુવક અને બાળકનું મોત થયું હતું. તપાસ બાદ આ ધડાકો હેન્ડ ગ્રેનેડથી થયો હોવાનો ખુલાસો થવા પામ્યો છે. એવી પણ વિગતો સામે આવી છે કે મૃતક યુવકને હેન્ડ ગ્રેનેડ છ મહિના પહેલા એક તળાવમાંથી મળી આવ્યો હતો. જેને તેણે પોતાના ઘરમાં રાખી મૂક્યો હતો
હવે પોલીસ પર પરિવાર દ્વારા મોટા આરોપો લગાવાઈ રહ્યા છે. ગ્રેનેડ બ્લાસ્ટની ગંભીર નોંધ લેતા પોલીસ તપાસનો ધમધમાટ ચાલુ કર્યા બાદ મૃતકના નાના ભાઈ દ્વારા ભરાયેલૂ આ પગલું પોલીસ દબાણથી કંટાળીને ભરાયું હોય તેવી ગ્રામજનોમાં વાત વહેતી થઈ છે. હજુ સુધી આપઘાત અંગે કોઈ સુસાઇડ નોટ કે અન્ય કોઈ બીજી વસ્તુ મળી નથી જેથી મૃતકના નાના ભાઈએ આપઘાત કેમ કર્યો તેના પરથી પરદો ઊઠવો મુશ્કેલ છે