શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 જૂન 2021 (10:05 IST)

રાજ્યના ૩.૫ કરોડથી વધુ યુવાનોને વિનામૂલ્યે રસી અપાશે, રાજ્ય સરકારને આર્થિક રીતે મોટો ફાયદો થશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એમના રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશના કરોડો યુવાનોને કોરોનાથી સુરક્ષીત કરવા માટે આગામી તારીખ ૨૧ મી જુનથી દેશભરમાં વિનામૂલ્યે રસી આપવાની જાહેરાત કરી છે. તેને નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે આવકારીને રાજ્યના નાગરિકોએ અને રાજ્ય સરકાર વતી આભાર માની આ માનવીય ઉમદા સેવાના નિર્ણય માટે અભિનંદન પાઠવ્યા છે.
 
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાનના આ નિર્ણયને કારણે રાજ્યના ૩.૫ કરોડથી વધુ યુવાનોને કોરોનાની રસી વિનામૂલ્યે આપી સુરક્ષીત કરાશે. અત્યાર સુધી ૧૮ થી ૪૫ વર્ષના યુવાનોને આપવામાં આવતી રસીનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા તેના ભંડોળમાંથી કરવામાં આવતો હતો. રસીના બંને ડોઝ માટે અંદાજે રૂ. ૭૦૦ થી વધુનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવતો હતો. પરંતુ દેશના કરોડો નાગરિકોના હિતમાં કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. વડાપ્રધાનના આ નિર્ણયને કારણે રાજ્ય સરકારને આર્થિક રીતે મોટો ફાયદો થશે.
 
તેમણે ઉમેર્યુ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની અમારી સરકારે અત્યાર સુધી તમામ યુવાનોને વિનામૂલ્યે રસી આપવાનો નિર્ણય કર્યો છે અને એ મુજબ રસીકરણની કામગીરી રાજ્યમાં હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાતમાં હાલ કોરોના વોરીયર્સ, ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સ, ૪૫ વર્ષથી ઉપરના નાગરિકો અને સીનીયર સીટીઝનોને વિનામૂલ્યે રસી આપવામાં આવી રહી છે. ૧૮ થી ૪૪ વર્ષના યુવાનોને ૨૧ મી જુનથી વિનામૂલ્યે રસી આપવાની વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે ગોઠવવામાં આવશે તે મુજબ ગુજરાતમાં પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવી રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાશે.   
 
વડાપ્રધાન દ્વારા ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને પંડિત દિનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનો પર અત્યારે ત્રણ માસ માટે વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનું નક્કી કરાયુ છે તે દિવાળી સુધી લંબાવવાનો પણ નિર્ણય કર્યો છે તેને પણ નાયબ મુખ્યમંત્રીએ આવકારી અભિનંદન પાઠવ્યા છે.