કેરળમાં વિનાશક પૂરથી પીડિતો માટે મોરારિબાપુએ 1.25 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી
-ચિત્રકૂટધામ ટ્રસ્ટ તલગાજરડા તરફથી કેરળના રાજ્યપાલના રિલીફ ફંડ એકાઉન્ટમાં સહાયની રકમ મોકલાશે
ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિને કારણે ઋતુઓમાં અણધાર્યા ફેરફારો થતા જોવા મળે છે. એક તરફ સમગ્ર દેશમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, તેવા વખતે ગત બે-ત્રણ દિવસો દરમ્યાન કેરળમાં ભારે વરસાદને લીધે અનેક જિલ્લાઓમાં ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ સર્જવા પામી છે. પૂરની પરિસ્થિતિને કારણે 27 લોકોના મૃત્યુ પણ થયા છે અને અનેક લોકો હજુ લાપતા પણ છે. એવામાં મોરારિબાપુએ કેરળ માટે મદદની જાહેરાત કરી છે.
પૂજ્ય મોરારિબાપુએ ગઈકાલે કેરળના રાજ્યપાલ આરીફ મોહમદ ખાન સાથે ટેલિફોનીક વાતચીત કરી કેરળમાં આવેલા પૂરના લીધે ઉદભવેલી સ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. બાપુએ અસરગ્રસ્ત લોકો માટે એમની સંવેદના રાજ્યપાલ સમક્ષ વ્યક્ત કરી હતી અને અતિ ભારે વરસાદને લીધે જેઓ મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને તત્કાલ સહાય મળે તે હેતુથી હનુમાનજીની સાંત્વના સ્વરૂપે શ્રી. ચિત્રકૂટધામ ટ્રસ્ટ તલગાજરડા તરફથી રૂપિયા એક લાખ પચીસ હજારની તત્કાલ સહાય મોકલવા જણાવ્યું હતું. આ રાશિ કેરળ રાજ્યપાલના રિલીફ ફંડ એકાઉન્ટમાં મોકલવામાં આવશે.
નોંધનીય છે કે, કેરળમાં સતત વરસાદના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અહીં પૂર અને ભૂસ્ખલનને કારણે કુલ 27 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 8 લોકો ગુમ છે. કેરળના કોટ્ટાયમ જિલ્લામાં ગઈ સાંજે પૂરમાં એક આખું ઘર તણાઇ ગયું હતું. રસ્તા પર ઉભેલા લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. અકસ્માત સમયે ઘરમાં કોઈ નહોતું. કોઈને પણ કોઈ જાનહાની થયાના સમાચાર નથી. આ ઉપરાંત અનેક જિલ્લામાં કેટલાક લોકો લાપતા પણ છે. અહીં સેના, વાયુસેના, નૌસેના તેમજ એનડીઆરએફનું બચાવ અભિયાન ચાલુ છે. એનડીઆરએફએ આઠ મહિલા અને સાત બાળક સહિત 33 લોકોને બચાવીને સુરક્ષિત સ્થળે મોકલ્યા છે.