ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 જુલાઈ 2019 (12:58 IST)

ખેરાલુ સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને 3 બંગડી પહેરાવ્યા મામલે મહેસાણા DEOના તપાસના આદેશ

મહેસાણા જિલ્લાના ખેરાલુની સરકારી પ્રાથમિક શાળા નં-3ના ધોરણ 6ના 3 વિદ્યાર્થીઓને હોમવર્ક નહીં લઈ જતા શિક્ષક મનુભાઈ પ્રજાપતિએ બંગડી પહેરવાની સજા કરી હતી. વિચિત્ર સજાને પગલે શનિવારે તાલુકા અધિકારીએ વાલીઓ સાથે વાતચીત કરી હતી. ત્યારે આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ પણ તપાસના આદેશ આપ્યા છે. શિક્ષક વિરૂધ્ધ તપાસ કરીને એક્શન લેવામાં આવશે. ઉપરાંત તેની બદલી પણ કરવામાં આવશે.
ખેરાલુના ટીબલીવાસમાં આવેલી પ્રાથમિક શાળા નંબર 3માં લેશન કરીને નહીં આવેલા ત્રણ વિદ્યાર્થીઓને બંગડી પહેરાવાની સજા કરાતાં ખળભળાટ મચી ગયો છે. લેશન નહીં કરવાની સજામાં બંગડી પહેરાવામાં આવતાં આવા વિદ્યાર્થીઓએ શાળાએ ન જવાની હઠ કરી વાલીઓને શાળાએ જવા નનૈયો ભણ્યો હતો. જેને લઇને વાલીઓ શનિવારે શાળાએ દોડી ગયા હતા અને આચાર્યને ફરિયાદ કરી હંગામો કર્યો હતો.
આ મામલે વાલીઓએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કલ્પનાબેન ચૌધરીને ફરિયાદ કરતાં તેઓ શનિવારે શાળાએ દોડી ગયા હતા. જ્યાં મામલો શાંત પાડી વાલીઓ સાથે બેઠક યોજી હતી અને શાળામાં કોના દ્વારા શું સજા કરાઇ વગેરે બાબતે વાલીઓના નિવેદનો જાણી તપાસ આગળ વધારી છે. શાળાના સ્ટાફમાં શિક્ષકો સાથે ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓને શાળામાં લેશન ન લાવવામાં બંગડી પહેરાવાની સજા કરતા શિક્ષક બદલવા માંગ કરાઇ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ખેરાલુ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કલ્પનાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, શાળામાં લેશન બાબતે બાળકોને બંગડી પહેરાવાની સજા અંગેની વાત જાણમાં આવી છે, આ અંગે વાલીઓની રજૂઆત મળતાં શાળામાં જઇને વાલીઓ સાથે મિટિંગ કરી છે. હજુ બાળકોના નિવેદન મેળવી આગળ તપાસ કરીશું, હાલમાં તપાસ ચાલી રહી છે.