ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 6 જૂન 2021 (10:10 IST)

સરકાર સમુદ્રી નાવિકોને રસીકરણમાં પ્રાથમિકતા આપશે

કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) તેમજ રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ સમુદ્રી નાવિકોના રસીકરણની સ્થિતિની સમીક્ષા કરી હતી. મનસુખ માંડવિયાએ સુચન કર્યું હતું કે, રસીકરણ ના થવા બદલ સમુદ્રી પરિવહન ઉદ્યોગને કોઇ જ વિપરિત અસર પડવી જોઇએ નહીં અને ભારપૂર્વક કહ્યું હતું કે, સમુદ્રી નાવિકોને તેમની નિર્ધારિત ફરજોમાં જોડવા માટે તેમનું બોર્ડિંગ થાય તે પહેલાં તેમનું રસીકરણ કરવા માટે તમામ પ્રયાસો કરવા જોઇએ.
 
વૈશ્વિક સમુદ્રી પરિવહનમાં ભારત ખૂબ જ નોંધનીય ભૂમિકા નિભાવે છે. સમુદ્રી નાવિકોના કામના પ્રકારને અનુલક્ષીને તેમને રસીકરણ કવાયતમાં ‘પ્રાથમિકતા’ આપવાની ઘણી માંગ ઉભી થઇ રહી છે. બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલય (PS&W) દ્વારા પણ સમુદ્રા નાવિકોને કોવિડની રસી પ્રાથમિકતા ધોરણે આપવામાં આવે તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે સક્રિયપણે સંકલન કરવામાં આવી રહ્યું છે.
 
તાજેતરમાં જ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા હસ્તક્ષેપના કારણે મુખ્ય બંદરો પર રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. મુંબઇ બંદર ટ્રસ્ટ, કોચીન બંદર ટ્રસ્ટ, ચેન્નઇ બંદર ટ્રસ્ટ, વિશાખાપટ્ટનમ બંદર ટ્રસ્ટ, કોલકાતા બંદર ટ્રસ્ટ અને ટુટીકોરિન બંદર ટ્રસ્ટ આ છ મુખ્ય બંદરો પર બંદરોની હોસ્પિટલોમાં સમુદ્રી નાવિકોના રસીકરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, કેરળમાં એક ખાનગી હોસ્પિટલનો પણ રસીકરણ કામગીરી માટે સંપર્ક કરવામાં આવ્યો છે.
 
MASSA, FOSMA અને NUSI જેવા સમુદ્રી નાવિકો સંઘો/સંગઠનો દ્વારા પણ રસીકરણ માટે સફળતાપૂર્વક વિશેષ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે.
 
આ પગલાંઓ ઉપરાંત, PS&W મંત્રાલય દ્વારા પણ સમુદ્રી નાવિકોને રાજ્યની ‘પ્રાથમિકતા યાદી’માં સમાવવા માટે રાજ્યોને સામેલ કરવાના પ્રયાસો ચાલી રહ્યાં છે અને કેરળ, તમિલનાડુ તેમજ ગોવાએ પહેલાંથી જ આ દરજ્જો પૂરો પાડ્યો છે. ભારત સરકાર સમુદ્રી નાવિકોને રસીકરણ સુવિધા પૂરી પાડવા મામલે કોઇપણ કચાશ રાખશે નહીં.