રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 6 જૂન 2021 (10:05 IST)

રાજ્યમાં ૯ મીટર સુધીની ઉંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી NOC લેવાનું રહેશે નહી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી NOC અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.  મુખ્યમંત્રીવિજય રૂપાણીએ કરેલા આ નિર્ણય અનુસાર ૯ મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઇઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર NOC લેવાનું રહેશે નહિ. 
 
પરંતુ આવી શૈક્ષણિક સંસ્થાઓ નિર્દિષ્ટ નિયમાનુસારની ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ સુનિશ્વિત કરીને સેલ્ફ એટેસ્ટેડ  સ્વપ્રમાણિત- રીતે ફાયર NOC જાતે મેળવી શકશે. આ સ્વપ્રમાણિત- સેલ્ફ એટેસ્ટેડ ફાયર NOC કર્યાની જાણ સંબંધિત નગર, શહેર કે જિલ્લામાં શિક્ષણ વિભાગના અધિકારીને કરવાની રહેશે.  
 
રાજ્યમાં ઘણા કિસ્સાઓમાં ફાયર NOCની તમામ જોગવાઇઓ પૂર્ણ થતી હોવા છતાં બી.યુ. પરમીશન ન હોવાને કારણે ફાયર NOC આપવામાં આવતું નથી. મકાનના વપરાશ પ્રમાણપત્ર એટલે કે બી.યુ. ન મળવાના અન્ય કારણો પણ હોઇ શકે છે. આ સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા નિયામક અગ્નિ શમન સેવાઓને સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફાયર NOC આપવી એ બી.યુ. પરમીશન પૂર્વેની જરૂરિયાત છે. 
 
એટલે  કે જ્યાં બી.યુ. પરમીશન ન મળી હોય તેવા બિલ્ડિંગો પણ જો ફાયર NOCની જોગવાઇઓની સંપૂર્ણ પૂર્તતા કરતાં હોય તો તેમને ફાયર NOC આપવા માટે બી.યુ. પરમીશનનો બાધ રહેશે નહિ. આ બેઠકમાં અન્ય એક એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે નગરપાલિકા વિસ્તારોમાં ફાયર NOC આપવાની સત્તા અને અધિકારો અગ્નિશમન નિયામકના સ્થાને સંબંધિત નગરપાલિકાના ફાયર ઓફિસરોને આપવામાં આવશે. આ નિર્ણયને પરિણામે રાજ્યના નગરોમાં ફાયર NOC લોકોને ત્વરાએ  મળી શકશે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રાજ્યમાં અગ્નિશમન સેવાઓનો વ્યાપ વધે અને નાગરિકોને કામકાજમાં સરળતા મળી રહે તે હેતુસર એક વધુ ફાયર રિજિયનનો ઉમેરો કરવાનો પણ નિર્ણય કર્યો છે.
 
હવે રાજ્યમાં આઠ મહાનગરો ઉપરાંત રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટિઝ કચેરીના કાર્યક્ષેત્ર મુજબ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર એમ છ ફાયર રિજિયન મળી કુલ ૧૪ ફાયર રિજિયન કાર્યરત થશે
. આ ફાયર રિજિયનના ફાયર ઓફિસરોએ આઇ.એ.એસ. કક્ષાના સિનિયર ઓફિસરો  જે તે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવે છે તેમના નિયંત્રણ હેઠળ ફરજો બજાવવાની રહેશે.  
 
વિજય રૂપાણીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, શહેરી વિકાસ સત્તા મંડળોના વિસ્તારોમાં સમાવિષ્ટ વિસ્તારો માટે મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર ફાયર NOC આપવાની કામગીરી કરશે. 
 
મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં યોજાયેલી ફાયર સેફટી અંગેની આ સમીક્ષા બેઠકમાં શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ ફાયર અને શહેરી વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.