શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 6 જુલાઈ 2021 (14:49 IST)

MP New Governor - કોણ છે? ગુજરાતની તત્કાલિન મોદી સરકારમાં એક દાયકો મંત્રી રહેલા મંગુભાઈ પટેલ, જે MPના રાજ્યપાલ બન્યા

આજે વિવિધ રાજ્યોના રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં ગુજરાતના આદિવાસી એવા મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ પહેલાં આનંદીબેન પટેલ પાસે મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો હવાલો હતો. મંગુભાઈ નવસારી જિલ્લામાંથી બીજા રાજ્યપાલ બન્યા છે.

આ પહેલા કોંગ્રેસની સરકારમાં નવસારી જિલ્લાના કુમુદબેન જોષીને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.1 જૂન 1944ના રોજ જન્મેલા મંગુભાઈ પટેલ 8 ધોરણ પાસ છે. નવસારી નગરપાલિકાના સભ્યપદથી રાજકીય સફર શરૂ કરનારા મંગુભાઈ પટેલ સતત 6 ટર્મ ધારાસભ્ય રહ્યા હતા. તેઓ 1990થી 1995, 1995થી 1997, 1998થી 2002, 2002થી 2007, 2002થી 2012 અને 2012થી 2017 દરમિયાન ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.


કેશુભાઈ સરકાર દરમિયાન મંગુભાઈ પટેલ વર્ષ 1998થી 2002 દરમિયાન રાજ્ય કક્ષાના મંત્રી બન્યા હતા. ત્યાર બાદ નરેન્દ્ર મોદી સરકારમાં 2002થી 2012 સુધી વન અને પર્યાવરણ મંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. સતત 10 વર્ષ સુધી વન અને પર્યાવરણ મંત્રી પદે રહ્યા બાદ 2013માં તેમને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.જ્યારે આનંદીબહેન પટેલની સરકારમાં તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. જો કે 2016માં રૂપાણી મુખ્યમંત્રી બનતા તેમને મંત્રી મંડળમાંથી પડતા મુકવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમને ટિકિટ પણ મળી નહોતી. ખાસ વાત એ છે કે, મોદીના મુખ્યમંત્રીકાળ દરમિયાન તેઓ સતત બે ટર્મ એટલે કે 10 વર્ષ સુધી મંત્રી પદે રહ્યા હતા.સવા વર્ષ પહેલા કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારે મંગુભાઈ નવસારીમાં પોતાના નિવાસસ્થાને હતા ત્યારે એક ફોન આવ્યો અને જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે વાત કરવા માંગે છે. આ સાંભળીને જ મંગુભાઇ ચોંકી ગયા હતા અને ત્યારબાદ પુનઃ 10:02 કલાકે મોદીએ મંગુભાઇ સાથે વ્યક્તિગત વાત કરી હતી. આ વાતચીત અંગે મંગુભાઇએ જણાવ્યું કે મોદી સાહેબે મારા ખબરઅંતર પૂછી ખાસ મારી દીકરીના પુત્રની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.