ગુજરાતના દરિયાકાઠેથી મોટું સંકટ ટળ્યું, અરબી સમુદ્રમાં 70 કિમી દૂર વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું
ઓખા ખાતે ગુજરાતના દરિયાકિનારથી 70 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં વાવઝોડાના કારણે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના અધિકારીઓ દબાણ ઝોન તરીકે વર્ગીકૃત હવામાન પ્રણાલી પર શનિવાર સવારથી પોરબંદરના કિનારાથી 100 કિમી પશ્ચિમમાં તેની રચના થઈ ત્યારથી નજર રાખી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રવિવાર સવારે જાહેર કરાયેલા બુલેટિનમાં આ જાણકારી આપવામાં આવી છે. હવામાન વિભાગના બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, વાવાઝોડું આગામી 48 કલાકમાં પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમમાં ઓમાનના દરિયાકાંઠા તરફ ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્રને પાર કરવાની સંભાવના છે.હવામાન વિભાગે જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા નજીક પૂર્વોત્તર અરબી સમુદ્ર પર દબાણ ઝોન છેલ્લા 6 કલાકમાં પાંચ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. તે રવિવાર સવારે સાડા પાંચ વાગે ગુજરાતના પોરબંદરથી લગભગ 170 કિમી પશ્ચિમ-પશ્ચિમોત્તર, ઓખાથી 70 કિમી પશ્ચિમ-પશ્ચિમોત્તર, નલિયાથી 70 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ અને પાકિસ્તાનના કરાચીથી 270 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં કેન્દ્રીત હતું.હવામાન વિભાગે રવિવાર સાંજ સુધી 55 કિમી પ્રતિ કલાક અને ક્યારેક ક્યારેક 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતના દરિયાકાંઠા પર અને તેની આસપાસ રવિવાર સાંજ સુધી દરિયામાં સ્થિતિ ખરાબ રહેવાની સંભાવના છે. માછીમારોને વાવાઝોડું સમાપ્ત ન થાય ત્યાં સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી.