Live Gujarati News - હેવાન બાપ - સગી દિકરી પર દુષ્કર્મ આચરનાર બાપને 20 વર્ષની જેલની સજા
હેવાન બાપ - સગી દિકરી પર દુષ્કર્મ આચરનાર બાપને 20 વર્ષની જેલની સજા
પિતાએ સગીર વયની દીકરી પર વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાએ પિતા વિરૂદ્ધ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ અને પીડિતાના નિવેદનના આધારે આરોપીને 20 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે.
રાજકોટમાં રીક્ષાચાલકોની ફરિયાદને લઈને ચૈતર વસાવાની ધરણા
આપના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા આવ્યા હતા અને આક્ષેપ લગાવ્યો હતો કે, મા કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજ 20 વર્ષથી માન્યતા વગર ચાલે છે. જે બાદ કલેક્ટર કચેરી ધરણાં પર બેઠા હતા. જે હાઈ વોલટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો હતો. જે બાદ તેઓ રીક્ષાચાલકોની ફરિયાદને લઈ રાત્રિ દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી ગયા હતા.
વડોદરામાં લારીઓ બચાવવા સ્થાનિક લોકો અને દબાણ શાખા વચ્ચે મારામારી
વડોદરામાં ભાજપાના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તામાં આવતા અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન સ્થાનિક લોકો અને દબાણ શાખાની ટીમ વચ્ચે મારામારી અને ઘર્ષણ થયું હતું. દેકારા-પડકારા વચ્ચે લારીઓ બચાવવા સ્થાનિક લોકો અને દબાણ શાખા વચ્ચે મારામારી થતાં દોડધામ મચી ગઇ હતી. પરિસ્થિતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને મામલો થાળે પાડ્યો હતો.
ગુજરાતના કચ્છમાં શિયાળો હવે અસલ મિજાજમાં, નલિયા પારો 1.1 ડિગ્રી નીચે
ગુજરાતના કાશ્મીર ગણાતા નલિયાથી જાણે શિયાળાએ રાજ્યમાં પ્રવેશ કર્યો હોય તેમ પારો 1.1 ડિગ્રી નીચે સરકીને 13 ડિગ્રીએ પહોંચી આવતાં લોકોને વહેલી સવારે અને સાંજે ગરમ કપડાંનો સહારો લેવો પડ્યો હતો. ફક્ત એક જ સપ્તાહમાં રાજ્યભરના જિલ્લાઓનું લઘુતમ અને મહત્તમ તાપમાન બગડ્યું છે. જેને કારણે અનેક લોકો બીમારીમાં પણ સપડાયા છે. આગામી જાન્યુઆરી માસ સુધી સતત ઠંડું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે.
- મહિસાગરમાં શિક્ષકોની ફેરબદલીનો કેમ્પ છેલ્લી ઘડીએ રદ
પ્રાથમિક શિક્ષકોની જીલ્લા ફેરબદલીના કેમ્પને લઈને ફરીથી વિવાદ શરૂ થયો છે. 20 અને 21મી નવેમ્બરે યોજાનારા આવા કેમ્પને છેલ્લી ઘડીએ રદ કરવાની સત્તાવાળાઓને ફરજ પડી હતી. બીજી બાજુ મહીસાગર જીલ્લાના 400 જેટલા શિક્ષકો વર્ષોથી બદલી કેમ્પની રાહ જોઈને બેઠા છે. ત્યારે કેબિનેટ મંત્રી કુબેર ડીંડોર પોતે પણ મહીસાગર જીલ્લામાંથી આવતા હોવા છત્તા સફળતાથી બદલી કેમ્પ યોજી ન શકાતા શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો હતો.
- વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ, શિક્ષણ વિભાગનો તમામ DEOને પત્ર
રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીના સ્વાસ્થ્ય અને હિતને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઠંડીની સિઝનમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડાં પહેરીને આવે તો તેને માન્ય રાખવા અંગે સૂચના આપવામાં આવી છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને ફરજિયાતપણે ચોક્કસ રંગના ગરમ કપડાં પહેરીને લાવવા તે અંગે દબાણ કરી શકાશે નહીં. શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ વિરુદ્ધમાં કોઈ શાળા જશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
- UPSCની પરીક્ષામાં નાપાસ થતાં શિવમ ત્રિપાઠી નામના યુવકની આત્મહત્યા
સુરતમાં વધુ એક આપઘાતનો બનાવ બન્યો છે. શહેરના સચિન વિસ્તારમાં એક બિલ્ડીંગના સાતમાં માળેથી યુવકે પડતું મૂકીને જીવન ટુંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષામાં નાપાસ થતાં શિવમ ત્રિપાઠી નામના યુવકે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જો કે, આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.