ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 ડિસેમ્બર 2019 (15:06 IST)

ગુજરાતમાં એક હજારથી વધુ સિંહ હોવાનો અંદાજ

ર૦ર૦ ની સિંહોની વસ્તી ગણત્રી હવે પાંચ જ મહીના દુર છે ત્યારે જંગલમાં એવી ગપસપ થઇ રહી છે કે એશિયાઇ સિંહોની વસ્તી કદાચ ૧૦૦૦ નો આંકડો સહેલાઇથી પાર કરી જશે. રાજયના જંગલ ખાતાના અધિકારીઓ સ્વીકારે છે કે ર૦૧પ માં થયેલી સિંહોની ગણત્રીમાં પર૩ સિંહો હતા જે હવે બમણા થઇ ગયા હશે. જંગલ ખાતાના  એક ઉચ્ચ અધિકારીએ અકિલા કહયું  કે સિંહોનો આંકડો ૧૧૦૦ - ૧ર૦૦ સહેલાઇથી પહોંચી શકે છે. સુત્રોએ કહયું હતું કે રાજયના જંગલ ખાતાની આંતરીક ગણત્રીના અંદાજ મુજબ સિંહોની વસ્તીમાં જોરદાર વધારો થયો  છે. આનો અંદાજ એના પરથી પણ આવે છે કે  રાજયના સાત જીલ્લાઓમાં સિંહોના પગલા પડી ચૂકયા છે. જેમાં જુનાગઢ, ગિર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રગરનો સમાવેશ થાય છે. ચોટીલાથી ર૦ કિ. મી. દુર ઢેઢુકી ગામમાં બે સિંહો આવી ગયાના સમાચારો છાપામાં થોડા સમય પહેલા જ આવ્યા હતાં. સિંહોની વસ્તી વધી હોવાની વાત પર એમ પણ વિશ્વાસ બેસે એમ છે કેમ કે પ૦૦ થી વધારે સિંહો તો માઇક્રો ચીપ સાથેના છે. જેમની ઉમર ૩ થી ૧૩ વર્ષની છે. જંગલ ખાતાના એક સીનીયર અધિકારીએ કહયું કે જેમને જંગલ ખાતાએ પકડયા હોય અને ઓછામાં ઓછા એકવાર પાંજરે પુરાયા હોય તેવા સિંહના શરીરમાં માઇક્રોચીપ બેસાડાય છે. આ એવા સિંહો છે જે ગામમાં આવી ગયા હોય, કુવામાં પડી ગયા હોય અથવા ગામવાસીઓ પર હૂમલો કર્યો હોય. એટલે આમાં ડુપ્લીકેશન થવાની શકયતા નથી. નિષ્ણાતો કહે છે કે પ૦૦ સિંહો માઇક્રોચીપ વાળા છે તો ર૦ ટકાથી વધો સિંહો એવા પણ હશે જે પકડાયા નહીં હોય. આ ઉપરાંત ૩ વર્ષથી નાના અને ૧૩ વર્ષથી મોટા સિંહોનો અંદાજ ૪૦૦ નો ગણીએ તો પણ ૧૦૦૦ કરતા સંખ્યા વધી જાય. અન્ય એક સિંહોના સીનીયર નિષ્ણાંતનું કહેવું છે કે સરકાર સાચા આંકડા આપવામાં ડરે છે કેમ કે તેનાથી લોકોમાં ભય ફેલાય અને બીજું કારણ છે કે સિંહોને મધ્ય પ્રદેશમાં સ્થળાંતર કરવાની માંગણી જોર પકડે.