ભ્રષ્ટાચારના કારણે ગુજરાત છોડી ઉદ્યોગો અન્ય રાજ્યોમાં જતા રહે છે: કોંગ્રેસ
સમગ્ર ગુજરાતમાં સરકારી કરોડો ચોરસ મીટર જમીન વણવપરાયેલ પડી રહી છે અને બીજીબાજુ સરકાર ખેડૂતોની કિંમતી જમીન વિકાસ નામે સંપાદન કરી રહી છે જેના કારણે ખેતીની જમીનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સાથોસાથ જમીન સંપાદનના નામે કરોડો રૂપિયાના ‘વ્યવહારો’ થાય છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા ત્રણગામોની જમીન સંપાદનમાં જીઆઈડીસી દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો છતાં ભાજપ સરકાર કેમ કૌભાંડીઓને બચાવી રહી છે, તેવો પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં કરોડો ચોરસમીટર જમીન રાજ્ય સરકાર પાસે વણવપરાયેલ પડી રહી છે જેના પર વગધરાવતા લોકો એ અને અસામાજિક તત્વોએ કબજો – દબાણ કર્યાનું ખુદ રાજ્ય સરકાર વિધાનસભામાં કબૂલી ચૂકી છે.
આ સરકારી જમીનોનો ઉપયોગ સ્થાનિક વિકાસ કાર્યો માટે કરવો જોઈએ પણ, રાજ્ય સરકાર આ દિશામાં કોઈ કામગીરી કરતી નથી. વિકાસના નામે ઉદ્યોગો સ્થાપવા જી.આઈ.ડી.સી. માટે ખેતીની કિંમતી જમીન સંપાદન કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ત્રણ ગામોમાં જમીન સંપાદનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર-ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ પગલા ભરી રહી નથી.
રાજ્યમાં જમીન સંપાદનમાં મોટા પાયે કૌભાંડ આચરનાર અધિકારીઓ પર પગલા ભરવા ને બદલે ભાજપ સરકાર આવા અધિકારીઓને શિરપાવ આપી રહી છે. શું કરોડો રૂપિયાના કૌભાંડના નાણાં ભાજપા સરકાર ચૂંટણી વ્યવસ્થપન અને ધારાસભ્ય ખરીદ માટે ઉપયોગ કરી રહી છે ? તેવો પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત ચેમ્બર જેવી સંસ્થામાં વર્ષો પછી ઉદ્યોગોના પ્રશ્નો અંગેની સત્ય હકીકત સરકાર સામે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગુજરાત ચેમ્બરના પ્રમુખે ઓનલાઈન વીડીયો કોન્ફરન્સથી બોલાવેલી મીટીંગમાં પૂર્વ પ્રમુખોએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, ‘ગુજરાત રાજ્યના કરપ્ટ અધિકારીઓ બિઝનેશ ઈન્ડસ્ટ્રીઝના કામ થવા દેતા નથી. સરકાર આવા ભ્રષ્ટ અધિકારીઓને કંટ્રોલ નહીં કરે તો ગુજરાત બિઝનેસમાં હજુય નીચે પટકાશે તેમજ સરકારી અધિકારીઓ તરફથી સહકાર નહીં મળે તો ભવિષ્યમાં આવતા નવા મુડીરોકાણ પણ અટકી જશે.’
‘GIDC ના પ્રશ્નોનું નિરાકરણ થયું નથી તે કરાવવું જોઈએ. સરકારની ઔદ્યોગિક નીતિ માત્ર પેપર પર છે, તેનું અમલ પર ફોકસ કરવું જોઈએ. સરકારની ઉદ્યોગ નીતિનું અર્થઘટન ટેબલે-ટેબલે એટલે કે અધિકારીએ અધિકારીએ અલગ થાય છે. GIDCના પ્રશ્નોના સમાધાન માટે મુકેશ પટેલ દ્વારા અઢિયા કમિટિ બનાવી હતી તેમાં નક્કી થયા મુજબ પગલાંઓ લેવાના બદલે અધિકારીઓ નિયમો બતાવીને બિનઅસરકાર બનાવી રહ્યા છે. લાંચ, ભ્રષ્ટાચારના કારણે ગુજરાત છોડી ઉદ્યોગો અન્ય રાજ્યોમાં જતા રહે છે. GIDCના પ્રશ્નો યથાવત છે, GIDCમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.’
રાજ્યની ઔદ્યોગિક અગ્રીમ સંસ્થાઓના પ્રમુખ અને પૂર્વપ્રમુખો આ વાત જાણે છે અને ચર્ચા કરે છે તો મુખ્યમંત્રી, સરકારમાં બેઠેલા મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેતા કોણ રોકે છે ?