પોલીસને બાતમી આપી હોવાની આશંકાએ બુટલેગરોનો પતિ-પત્ની પર હુમલો
અમદાવાદ શહેરના વટવા પોલીસ મથકની હદમાં બુટલેગરોએ ચાની કિટલી ચલાવતાં પતિ-પત્ની પર હુમલો કર્યો છે. બુટલેગરોએ લાકડી અને સળિયા વડે દંપતીને માર મારી તેમનો CCTV કેમેરો પણ તોડી નાખ્યો હતો. થોડા દિવસ પહેલાં આ બુટલેગરોનો દારૂ પકડાયો હતો. આ દારૂની બાતમી આપી હોવાની શંકા રાખી અને બુટલેગરોએ કિટલી ચલાવતા પતિ-પત્નીને ઢોર માર માર્યો હતો.
રાજ્યમાં એક તરફ દારૂબંધીની વાતો વચ્ચે બુટલેગરોને કોઈનો ડર ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, આ ઘટના 9 દિવસ પહેલાંની છે પરંતુ પોલીસ ફરિયાદ થતા તેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટ પણે જોવા મળે છે કે સાતેક જેટલા લોકોના ટોળા દ્વારા એક પતિ-પત્નીને માર મારવામાં આવી રહ્યો છે.હુમલો કરનાર શખ્સો પ્રાથમિક તપાસમાં બુટલેગરો હોવાનું સામે આવ્યું છે. બુટલેગરોને આશંકા હતી કે થોડા દિવસો પહેલાં ઝડપાયેલા તેમના દારૂ વિશે વટવા પોલીસને આ દંપતીએ માહિતી આપી હતી. આ બાબતની દાઝ રાખીને બુટલેગરો થોડા દિવસો પહેલાં પતિ-પત્ની એકલા કિટલી પર હતા ત્યારે બપોરના સુમારે જઈને તેમના પર તૂટી પડ્યા હતા.બુટલેગરોના હુમલાથી હતપ્રભ બની ગયેલા યુગલે છૂટવાના અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ હથિયારધારી બુટલેગરોને જાણે કે પોલીસની બીક જ ન હોય તેમ તેઓ એકીધારે લાકડી, સળિયા વડે તૂટી પડ્યા હતા. માર મારતાં મારતાં એક બુટલેગરની નજર CCTV કેમેરા સામે પડી હતી તેણે લાકડી વડે હુમલો કરી કેમેરો પણ તોડી નાખ્યો હતો. જોકે, પોલીસ ફરિયાદ બાદ CCTV કેમેરાના ફૂટેજ મળી આવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.