રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 એપ્રિલ 2021 (08:44 IST)

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હેતુસર ગુજરાતમાં ૬૦ હજાર કિલોગ્રામ આયુર્વેદ દવાઓ તેમજ ૧૦ લાખ ડોઝ હોમિયોપેથી ઔષધિ-દવાઓના ઓર્ડર આપીને આ દવાઓ ત્વરાએ મેળવી તેનું રાજ્યવ્યાપી વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. 
 
રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની  સમીક્ષા માટે નિયમીત રૂપે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાતી કોર કમિટિની બેઠકમાં વિજય રૂપાણીએ આ ઔષધિઓ મેળવવા માટે આયુષ અને આરોગ્ય તંત્રને સુચનાઓ આપી છે. આ દવાઓ મેળવવા માટેના ઓર્ડર પણ આયુષ વિભાગે આપ્યા છે.
 
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આયુર્વેદ દવાઓનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે અને આ દવાઓના અનેક સારા પરિણામો મળ્યા છે તેને પગલે મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણની આ બીજી લ્હેરમાં પણ આયુર્વેદ-હોમિયોપેથી ઔષધિઓના ઉપયોગથી કોરોના સામેનો જંગ જિતવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. 
 
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્યભરના ૩૩ જિલ્લાઓ માટે ર૯૭૦૦ કિ.ગ્રામ અમૃત પેય ઊકાળાનો જથ્થો, સંશમની વટીનો ૩૦ હજાર કિ.ગ્રામ જથ્થો તેમજ ઓર્સેનિક આલ્બમ-૩૦ ના કુલ ૧૦ લાખ ડોઝ રાજ્ય સરકાર વિવિધ સંસ્થાઓ-સંગઠનો-કેન્દ્ર સરકાર પાસેથી મેળવશે. 
 
આ આયુર્વેદ દવાઓની વિતરણ વ્યવસ્થા પણ જિલ્લા-તાલુકા અને ગ્રામીણ સ્તર સુધી સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યુ છે તે મુજબ તલાટીઓ, સરપંચો, આશાવર્કર બહેનો અને સેવા સંસ્થાઓ મારફતે તેનું વિતરણ જન-જન સુધી કરવાની વ્યૂહ રચના ઘડવામાં આવી છે. 
 
કોરોનાથી સંક્રમિત દર્દીઓને સારવાર ઉપરાંત તેમનામાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની બાબતને પણ વિશ્વસ્તરે સ્વીકૃતિ મળી છે ત્યારે માનવ શરીરમાં ઇમ્યુનિટી બુસ્ટ કરતી આયુર્વેદીક દવાઓનો વપરાશ વધ્યો છે. 
 
ગુજરાતમાં કોરોનાની પ્રથમ લ્હેરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન અને પ્રેરણાથી ૯૦ લાખ પરિવારો માટે ઓર્સેનિક આલ્બમના ડોઝ, ૭૮ હજાર કિ.ગ્રામ અમૃત પેય ઊકાળા અને ૮પ હજાર કિ.ગ્રામ સંશમની વટી લોકોને પૂરી પાડવામાં આવેલી છે 
 
સમગ્ર રાજ્યમાં ગત વર્ષ તા. ૬ માર્ચ-ર૦ર૦થી આ ઔષધિઓના વિતરણ દ્વારા અત્યાર સુધીમાં એટલે કે તા. રર એપ્રિલ-ર૦ર૧ સુધીમાં ૧૦.૭૭ કરોડ અમૃત પેય ઊકાળા ડોઝ લાભાર્થીઓ, ૮ર.૭૦ લાખ સંશમની વટીના અને ૬ કરોડ ૩પ લાખ ઓર્સેનિક આલ્બમ-૩૦ ના લાભાર્થીઓને આવરી લઇ રોગપ્રતિકારક શક્તિ વધારવાનો સફળ પ્રયોગ હાથ ધરાયો છે 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આયુર્વેદ ઔષધિઓના ઉપયોગથી લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારીને જનસહયોગથી કોરોના સામેનો જંગ જિતવા ‘‘હારશે કોરોના-જિતશે ગુજરાત’’ની પ્રતિબદ્ધતા સાથે આ વધુ આયુર્વેદ ઔષધિઓનો જથ્થો મેળવી તેની સઘન વિતરણ વ્યવસ્થાથી જનઆરોગ્ય સુખાકારીમાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ કોર કમિટીની બેઠકમાં વ્યકત કરી હતી.