પરપ્રાંતિય શ્રમિકોને પરત લાવવા સરકાર અને ઉદ્યોગ સંગઠનોએ એક્શન પ્લાન તૈયાર કર્યો
લૉકડાઉનના પાંચમાં તબક્કાની શરુઆતમાં રાજ્ય સરકારે વેપાર ઉદ્યોગો શરૂ કરવા મંજૂરી આપી છે, ત્યારે શ્રમિકો વિના ઉધોગોનું 80 ટકા કામ અટવાઈ ગયું છે. આ સંજોગોમાં સરકારે પણ શ્રમિકોની વ્યવસ્થા કરવા એક્શન પ્લાન બનાવ્યો છે, જેમાં ગુજરાતના આદિવાસી શ્રમિકોની સાથે અન્ય રાજ્યની સરકારો સાથે વાતચીત કરી શ્રમિકોને પાછા લાવવા વેપાર ઉદ્યોગ સંગઠનોની સાથે ઉદ્યોગ વિભાગ પણ એક્ટિવ થઈ ગયો છે. ગુજરાતને ફરી ધમધમતું કરવા માટે મહત્વના એવા શ્રમિકોને પાછા લાવી કામે લગાડવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓરિસ્સાના મુખ્યમંત્રીઓ સાથે સંપર્ક કર્યો છે અને પરપ્રાંતિયોને પરત લાવવા માટે ગુજરાત સહકાર આપવા તૈયાર છે તેવુ જણાવ્યું છે. ખાસ કરીને વેપાર ઉદ્યોગના સંગઠનો સાથે મુખ્યમંત્રી અને સમગ્ર ઉદ્યોગ વિભાગ સતત સંપર્કમાં છે અને તેઓને કયા-કયા રાજ્યોમાંથી કયા પ્રકારના કામદારો આવી શકે તેમ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. રાજ્યના મોટા ઉદ્યોગોની સાથે નવા બિલ્ડીંગ અને નવા પ્રોજેક્ટના લેબર વર્ક વિના આગળ વધવું મુશ્કેલ છે, આ ઉપરાંત સોના ચાંદીના કામ માટેના માહેર બંગાળી કારીગરો પણ વતન ચાલ્યા ગયા છે, તેથી મોટા ભાગના ધંધામાં શ્રમિકો વિના શરૂ કરવો ઘણો મુશ્કેલ છે, હાલ જે રીતે મજૂરોની તંગી પડી રહી છે તેથી રાજ્ય સરકાર પણ વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે. આ ઉપરાંત હાલ જે કામદારો છે જે વતન પરત જઇ શક્યા નથી, આવા કામદારોને ફરીથી રોજગારના સ્થળે પહોંચાડવામાં પણ ખાસ વ્યવસ્થા કરાશે.