બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 જૂન 2021 (16:10 IST)

ખોડલધામના નરેશ પટેલે આજે 'આપ'ના વખાણ કર્યા, અરવિંદ કેજરીવાલ 14મી જૂને ગુજરાત આવશે

ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ અત્યારથી કમર કસી રહ્યો છે. ગઈકાલે જ ગુજરાત ભાજપના કેન્દ્રિય પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. આગામી 15મી જૂને ભાજપની સંગઠનની બેઠક મળવાની છે. તે પહેલા જ આજે પાટીદાર સમાજની મળેલી બેઠકમાં નરેશ પટેલે 'આપ'નું ભવિષ્ય ઉજ્જવળ હોવાનું નિવેદન આપ્યું હતું. બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરવા માટે 14મી તારીખે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. એવામાં રાજ્યમાં મોટી રાજકીય ઊથલપાથલના સંકેત મળી રહ્યા છે.

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. અમદાવાદના નવરંગપુરામાં 14મી જૂને આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવશે. જેના ઉદ્ઘાટન માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. કેજરીવાલનું સવારે 10.20 કલાકે અમદાવાદમાં આગમન થશે. ત્યાર બાદ બપોરે તેઓ વલ્લભસદન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ દરમિયાન ભૂતપૂર્વ પત્રકાર ઈશુદાન ગઢવી સહિતના આગેવાનો આપમાં જોડાવાની શક્યતા છે અને સાંજે કેજરીવાલ દિલ્હી પરત ફરશે.

આજે ખોડલધામ કાગવડ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ છે. જેમાં નરેશ પટેલે હતું હતું કે, કોરોનાકાળમાં ક્યાંક ને ક્યાંક તંત્ર ફેલ થયું છે અને એ આપ સૌએ જોયું છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી, પરંતુ હાલ 'આપ' જે રીતે આગળ વધે છે એનાથી ભવિષ્યમાં 'આપ'નું વર્ચસ્વ હશે એવું મને લાગે છે. 'આપ’એ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણાં સારાં કામ કર્યાં છે અને એની કામ કરવાની શૈલી પણ ઉમદા હોવાને કારણે એનું ભવિષ્ય ઘણું ઊજળું દેખાઈ રહ્યું છે, પરંતુ કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી.