કેજરીવાલ ઓગસ્ટના પહેલા સપ્તાહમાં 4 વખત ગુજરાત આવશે, પહેલી ઓગસ્ટે સોમનાથમાં સભા સંબોધશે
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતો લઈ રહ્યાં છે. 26 જુલાઈએ તેઓ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં. ત્યાર બાદ તેમણે રાજકોટમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. હવે ફરીવાર તેઓ ઓગસ્ટની 1, 6, 7 અને 10 તારીખે ગુજરાત આવશે. સોમનાથમાં જંગી સભા સંબોધશે. તે ઉપરાંત વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ ગુજરાતમાં અવરજવર વધી રહી છે. આ સાથે તેમણે વેપારીઓ અને ઉદ્યોગકારોને 5 ગેરંટી આપી હતી કે, જો અમારી સરકાર ગુજરાતમાં આવશે તો અમે તમને વચન આપીએ છીએ કે આ પાંચ કાર્યો પહેલા કરીશું. જેમાં પ્રથમ તો ભયનું વાતાવરણ ખતમ કરીશું,નિડરતાથી વેપારી-ઉધોગપતિ કામ કરી શકે તેવું વાતાવરણ બનાવીશું, દરેક વેપારી-ઉધોગપતિને ઇજ્જત આપીશું. સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું.
GSTના રિફંડ છ મહિનામાં આપીશું. GST અંગેની ગૂંચવણોને દૂર કરીશું અને વેપારી-ઉધોગપતિઓને ભાગીદાર બનાવીશું, તેમના સૂચનો લેશું અને સમસ્યાઓનો હલ કરીશું.કેજરીવાલે રાજકોટમાં જણાવ્યું હતું કે, સરકારે GST અંગે વિનામૂલ્યે સલાહ આપવી જોઈએ. કારણ કે, વેપારીઓને GST અંગે સલાહ લેવા માટે ખૂબ જ ખર્ચ કરવો પડે છે. તેમાંય ગુજરાતમાં તો વેપારીઓને ડરાવવામાં આવ્યા છે. સુરતમાં એક વર્ષ પહેલાં વેપારીઓને મળ્યો ત્યારે કાર્યક્રમ જ રદ કરાવી નાખ્યો હતો. આજે તમે બધા મોટી સંખ્યામાં આવ્યા તેનાથી મને આનંદ થયો છે. દિલ્હીમાં સરકાર નફામાં ચાલી રહી છે. જ્યારે ગુજરાત સરકાર ખોટમાં છે.