આજથી શરૂ થશે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, 7 દિવસ અમદાવાદીઓને પડી જશે જલસા
વર્ષ 2008થી શરૂ થયેલા કાર્નિવલનું આ 12મું વર્ષ રહેશે. આજથી શરૂ કાંકરિયા કાર્નિવલનું મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉદઘાટન કરશે. વર્ષ 2008થી શરૂ થયેલો કાંકરીયા કાર્નિવલ, કે જે હવે શહેરની ઓળખ બની ગયો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 25 થી 31 ડિસેમ્બર સુધી કાંકરીયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્નિવલમાં તૈયાર કરાયેલા અલગ-અલગ સ્ટેજ ખાતે રંગારંગ કાર્યક્રમો યોજાશે.
કાંકરિયા કાર્નિવલના મુખ્ય આકર્ષણોમાં જાણીતા કલાકારો ભરત બારીયા અને અક્ષર પટેલની ટીમ દ્વારા લોકનૃત્યો-લોકગીતોનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. તેની સાથે સાથે કિર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, સાંઈરામ દવે, જીગરદાન ગઢવી, ગીતા રબારી, જીગ્નેશ કવિરાજ, વિશાલ કવિરાજ, કાજલ મહેરિયા, રાજલ બારોટ, તેજલ ઠાકોર, નીતિન બારોટ, વિજય સુવાળા, સરલા દવે, વિશ્વનાથ બાટુંગે તથા પાયલ વૈદ્ય દ્વારા દરરોજ સાંજે ગુજરાતી-હિન્દી પ્લેબેક સિંગિંગ, સુફી ગઝલ, લોક સંગીત તથા હાસ્ય દરબારના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.
કાંકરિયા કાર્નિવલ દરમિયાન સાતેય દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કાંકરિયા પરિસરના જુદા જુદા સ્થળે મેડિકલ ટીમ સાથે મેડિકલ વાનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથે સાથે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કર્યું છે.
આ વર્ષે પણ કાર્નીવલમા વિવિધ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે. સૌથી મહત્વની વાત એ છે કે કાંકરિયા લેક ફરતે ખાસ પ્રકારની 300 એલ ઇ ડી લાઈટ નાખવામાં આવી છે. આ લાઈટની વિશેષતા એ છે કે થીમ મુજબ લાઈટના રંગ બદલી શકાય છે. જેમકે દેશ ભક્તિનું ગીત વાંગતું હોય ત્યારે ત્રિરંગાના રંગ મુજબનું લાઇટિંગ કરી શકાશે. કાંકરિયા પરિસરમા લગાવામાં આવનારી મ્યૂઝિક સિસ્ટમ સંગીતમય વાતાવરણ ઉભું કરે છે ત્યારે મ્યૂઝિક ને અનુરૂપ લાઈટિંગ પણ કરવામાં આવશે
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે 25મી ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલ ઉજવવામાં આવે છે જેમાં આતશબાજીથી લઈને અવનવી રોશની અને લેસર શોના આયોજન કરવમાં આવે છે આ વખતે પણ 25 ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી ઉજવણી થવાની છે અને કરોડો રૂપિયાની લાઈટ અને ફટાકડાનો ધૂમાડો થવાનો છે. નોંધનીય છેકે કાંકરીયા કાર્નિવલમાં થતા ખર્ચ અંગે મેયરે સૂચક મૌન ધારણ કરી લીધુ છે.