ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 ડિસેમ્બર 2019 (17:27 IST)

‘સ્ટડી ઇન ગુજરાત’ ડિજીટલ ગુજરાત ક્ષેત્રે રાજ્ય સરકારનું વધુ એક નક્કર કદમ

ગુજરાત આજે વિશ્વમાં એજ્યુકેશન હબ તરીકે પ્રસ્થાપિત બનીને દેશનું રોલ મોડલ પુરવાર થયું છે. ત્યારે ગુજરાતે ડિજીટલ નિર્માણ ક્ષેત્રે પણ અનેક નવતર આયામો હાથ ધર્યા છે. દેશ-વિદેશના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસક્રમની તકો મળી રહે અને એકજ પ્લેટફોર્મ પરથી માહિતી મળે તે માટે ‘સ્ટડી ઇન ગુજરાત’ અભિયાન હાથ ધર્યું છે.
 
‘સ્ટડી ઇન ગુજરાત’ કેમ્પેઇન અંતર્ગત www.study.gujarat.gov.in વેબસાઇટનું આજે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ લોન્ચીંગ કર્યું હતું. દેશ-વિદેશના વિદ્યાર્થીઓને ગુજરાત ખાતે ઉચ્ચ અભ્યાસ માટે બહોળી તક ઉપલબ્ધ છે. દેશ-વિદેશના વિદ્યાર્થીઓ ગુજરાતની યુનિવર્સિટીઓમાં ચાલતા વિવિધ ઉચ્ચ અભ્યાસક્રમોની વિગતો એક જ પ્લેટફોર્મ પરથી મેળવી શકે તે હેતુથી આ વેબસાઇટનું લોન્ચીંગ કરવામાં આવ્યું છે. 
 
આ કેમ્પેઇનમાં ભાગીદાર યુનિવર્સિટીઓ/સંસ્થાઓના રજિસ્ટ્રેશન માટે તથા અન્ય રાજ્યોના અને વિદેશના જે વિદ્યાર્થીઓ પ્રોફેશનલ તથા અન્ય ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક હોય તેવા વિદ્યાર્થીઓ એક જ પ્લેટફોર્મ પરથી અભ્યાસક્રમોની વિગતો મેળવવવા તથા પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકે તે હેતુથી આ વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. 
 
આ પોર્ટલ પર ગુજરાત ખાતે ઉચ્ચ અભ્યાસક્રમોમં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા સહિતની જરૂરી એવી તમામ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્ય વિશેની સામાન્ય માહિતી ઉપરાંત વિવિધ અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ/સંસ્થાઓમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોની સંપૂર્ણ માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
 
વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા મેળવવાની પ્રક્રિયા તેમજ તેઓએ ઉતિર્ણ કરેલ પરીક્ષાની સમકક્ષતા મેળવવા માટેની પ્રક્રિયા બાબતે સંપૂર્ણ વિગતો આ પોર્ટલ પર ઉપલબ્ધ છે. વિદેશી અને રાજ્ય બહારના વિદ્યાર્થીઓ માટે આ બાબતના FAQs પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેથી તેઓ ગુજરાત ખાતેના તેમના રહેણાંક અને ઉચ્ચ અભ્યાસનું સારી રીતે આયોજન કરી શકે. આ પોર્ટલ પર ભાગીદાર યુનિવર્સિટીઓ/સંસ્થાઓ આ કેમ્પેઇન અંતર્ગત આયોજિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રોડ-શૉ / એકઝિબિશન જેવા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
 
રાજ્યના પ્રોફેશનલ તથા અન્ય ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઉમેદવારોની સાપેક્ષે વધુ પ્રમાણમાં ઉપલબ્ધ રહેતી બેઠકોના પરિપેક્ષમાં આવી અગ્રગણ્ય સંસ્થાઓમાં સરપ્લસ ઉત્કૃષ્ટ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ‘એજ્યુકેશનલ હબ’ તરીકે ગુજરાતની ઓળખ પ્રસ્થાપિત કરવાના આશયના ભાગરૂપે રાજ્યની પસંદગીની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અન્ય રાજ્યોના તથા વિદેશી તેજસ્વી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે મોટી સંખ્યામાં પ્રવેશ મેળવે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા study in Gujarat campaign (SIG) શરૂ કરવાનું આયોજન કરાયું છે.