અમદાવાદમાં સી-પ્લેન માટે 3 કરોડના ખર્ચે બનાવેલી જેટી અને બોયા સાબરમતી નદીમાં તણાઈ ગયા
ગુજરાતમાં 100 ટકાથી વધુ વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી મંગળવારે 76000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. સાબરમતી નદીમાં પાણી છોડાતાં સાબરમતી રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ બંધ કરવામાં આવ્યા હતા. ગુરુવારે સવાર સુધી પ્રોમિનાડમાં પાણી હોવાના કારણે સાબરમતી રિવરફ્રન્ટ બંધ રાખવામાં આવ્યો હતો. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા વાસણા બેરેજના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને બધુ પાણી નદીમાં છોડાયું હતું.
આ તરફ 31 ઓક્ટોબર 2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ સી પ્લેનની જેટી અને બોયા પાણીમાં તણાઈ ગયા હતા. સી પ્લેન શરૂ થયા બાદ ગુજસેલને સી પ્લેનના સંચાલન માટે જવાબદારી આપેલી હતી. અમદાવાદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટીની હવાઈ મુસાફરી માટે શરુ કરાયેલા આ સી પ્લેનના સંચાલન માટે 3 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ઉપર જેટી બનાવામાં આવી હતી. ધરોઈ ડેમમાંથી પાણી છોડાયા બાદ સાબરમતી નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન રિવરફ્રન્ટ પર રહેલ સી-પ્લેન માટેના આ બોયા અને જેટીને બરાબર રીતે બાંધવામાં ના આવતાં પાણીમાં તણાઈ ગયા હતા. આગામી સમયમાં એક તરફ રાજ્ય સરકાર ફરી સી પ્લેન શરૂ કરવા આયોજન કરી રહી છે ત્યાં ફરી એક વાર બોયા અને જેટી માટે કરોડોના નાણાં ખર્ચ કરવાની જરૂર ઉભી થઇ છે.