AMC અને GPCB એ ઔદ્યોગિક એકમોના કાપેલા જોડાણો યથાવત રહેશે, સાબરમતી નદી પ્રદુષણ મામલે હાઇકોર્ટનો 99 પેજનો આદેશ,
સાબરમતી નદીનાં પ્રદૂષણને મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. અમદાવાદના અલગ-અલગ એકમોએ કોર્પોરેશનના કનેક્શન કાપવાની કામગીરી સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી, જે તમામ અરજીઓને જસ્ટિસ જે.બી પારડીવાલાએ અને જસ્ટિસ વૈભવી નાણાવટી ખંડપીઠે ફગાવી દીધી છે. જેથી સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવનાર ઔદ્યોગિક એકમો હાલ પૂરતા બંધ જ રહેશે.
હાઈ કોર્ટે 99 લેખિતમાં ઓર્ડર કર્યો છે, જેમાં નોંધ્યું છે કે 'હવે પરિસ્થિતિ કાબુમાં નથી અને હવે બહુ થયું'. કોર્પોરેશનની કામગીરી સામે 11 જેટલા એકમોએ અરજી કરી હતી અને ફરીથી તેને શરૂ કરવા દેવાની રજૂઆત કરવામાં આવી હતી. જોકે હવે તે ફગાવી દેવામાં આવી છે. જેથી પ્રદુષણ ફેલાવતી ઇન્ડસ્ટ્રીઝ બંધ જ રહેશે. એફલયુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ડિસ્ચાર્જ યોગ્ય ધારાધોરણો પ્રમાણેનું થાય અને નવી મેગા પાઇપલાઇનના પ્રશ્નનું નિરાકરણ આવે ત્યાં સુધી કોર્પોરેશન અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કાપેલા જોડાણો યથાવત રહેશે, તેમ કોર્ટે આદેશ કર્યો છે. પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યના ભોગે ઇન્ડસ્ટ્રીઝ ચલાવવાની મંજૂરી આપી શકાય નહીં તેવું કોર્ટનું પોતાના હુકમમાં અવલોકન કર્યું છે. વચગાળાની રાહતમાં પણ જોડાણો ફરી શરૂ કરી એકમો ચાલુ કરવા મંજૂરી માટેની અરજી પણ ફગાવી દેવામાં આવી છે.