સરકાર ચોર છે તેમણે દુકાનદારોને ચોરી કરવા મજબૂર કર્યા - પ્રહલાદ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસિન લાઇસન્સ હોલ્ડર એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદી આજે રાજકોટ આવ્યા હતા અને રાશન વિક્રેતાઓએ તેમને પડતી મુશ્કેલીઓ બાબતે કલેક્ટરને રજૂઆત કરી હતી. ઢીંગલી નામથી ઓળખાતા સોફ્ટવેર દ્વારા રાજ્યવ્યાપી અનાજ કૌભાંડ થયું હોવાની આશંકાએ હાલ વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
પ્રહલાદ મોદીએ સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં મીડિયાને જણાવ્યું હતું કે - સસ્તા અનાજવાળા ચોર નથી ! ચોર સરકાર છે, જેણે દુકાનદારોને ચોરી કરવા મજબૂર કર્યા છે. સરકાર 370 હટાવી શકે તો દેશના 5 લાખ રેશનિંગના દુકાનદારોની માગણી પૂરી ન કરી શકે ? વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમને ગોડાઉનમાંથી નિયમિત માલ મળતો નથી. માટે અમે આજે કલેકટરને વિવિધ રજૂઆત કરી હતી, જેમાં દુકાનદારોને પોષણક્ષમ ભાવો મળે, કમિશનમાં વધારો, સર્વર વારંવાર ખોટકાઈ જવું તથા સોફટવેરકૌભાંડમાં તપાસ પૂરી થઇ છે, તો હવે દુકાનદારોને ખોટી રીતે કનડગત નહિ કરવા અંગેનું આવેદનપત્ર પાઠવ્યું છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર સસ્તા અનાજના દુકાનદારને દબાવવાના પ્રયત્નો કરી રહી છે. દુકાનદારોએ કોઇ ગેરરીતિ આચરી નથી. બાયોમેટ્રિક સિસ્ટમ સર્વર આધારિત છે અને ગુજરાતનું સર્વર પોલિયોગ્રસ્ત છે, જેથી ફરજિયાત ઓફલાઇન વેચાણ કરવું પડે છે. દુકાનદારો ઓફલાઇન વેચાણ કરે એટલે સરકાર તપાસ કરે છે. સસ્તા અનાજના દુકાનદારોને કર્મચારી તરીકે ગણીને તેને પગારદાર બનાવવા જોઇએ.