રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (15:49 IST)

છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં મેઘમહેર,ગીર-સોમનાથના સુત્રપાડામાં 9.7 ઈંચ વરસાદ નોંધાયો

રાજ્યમાં વરસાદની ફરી એન્ટ્રી થઈ ગઈ છે. જન્માષ્ટમીના પર્વ બાદ રાજ્યના કેટલાય જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે બુધવારે ગીર-સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર-સોમનાથના સુત્રાપાડા અને આસપાસના વિસ્તારોમાં 10 ઈંચ વરસાદ વરસતાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. ત્યારે ધોધમાર વરસાદને પગલે પ્રાચી તીર્થનું માધવરાય મંદિર પાણીમાં ડૂબ્યું હતું. આ ઉપરાંત 10 ઈંચ વરસાદને કારણે પ્રશ્રાવડા ગામના નીચાણવાળાં ઘરોમાં પાણી ભરાયાં હતાં તેમજ ગામની શેરીઓમાં નદીઓનાં ઘોડાપૂર જેવાં દૃશ્યો સર્જાયાં હતાં.ગીર-સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે પ્રાચી તીર્થનું માધવરાય મંદિર પાણીમાં ડૂબ્યું હતું. જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં 10 ઈંચ વરસાદ પડતાં પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીકિનારે સ્થિત ભગવાન માધવરાય મંદિર પાણીમાં જળમગ્ન થઈ ગયું હતું.

જોકે સરસ્વતી નદીમાં નવા નીર આવતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ જિલ્લામાં વરસાદ વરસતાં ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી મન મૂકીને મેહુલિયો વરસી રહ્યો છે સુરત જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં ચોમાસાનો માહોલ બરાબર જામ્યો છે. મુશળધાર વરસાદને કારણે ખેડૂતોની ચિંતા ઓછી થઈ છે. ખેડૂતો અને વહીવટીતંત્ર પણ ઈચ્છી રહ્યું છે કે ઉકાઈ ડેમની સપાટી 340 ફૂટ કરતાં વધી જાય તો પાણીની કોઇ પણ પ્રકારની તંગી નહીં રહે. હજી પણ જે રીતે ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે. તે જોતા આગામી દિવસોમાં ઉકાઇ ડેમની સપાટીમાં વધારો થાય તેવી પણ શક્યતાઓ છે.ગાંધીનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગઈકાલે બુધવારે રાત્રે બે કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જોકે, વીજળીના કડાકા ભડાકા વચ્ચે ગાજ્યા મેઘ વરસ્યા નહીં તેવો ઘાટ જોવા મળ્યો હતો. જિલ્લાના ચાર તાલુકા પૈકી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ કલોલ તાલુકા પંથકમાં 29 મીમી થયો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ ગાંધીનગરમાં 15 મીમી પડ્યો હતો. ઉપરાંત દિવસ દરમિયાન પડેલા નજીવા ઝાપટાંમાં પણ ઘ -4નાં અંડર બ્રીજમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી.આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં મેઘમહેર યથવાત્ રહેશે, એવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે