બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 જુલાઈ 2022 (16:37 IST)

બોરસદમાં ટ્રકચાલકે પોલીસકર્મીને કચડ્યો, બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી

truck
હરિયાણા પછી ઝારખંડ અને હવે ગુજરાતમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસકર્મીની હત્યાની ઘટના સામે આવી છે. બોરસદ ટાઉનમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસ કોન્ટબલે ટ્રકચાલકને ઊભા રહેવા ઇશારો કર્યો હતો. જોકે ચાલકે પોતાની ટ્રક ભગાવી મૂકતાં પોલીસકર્મીએ પીછો કર્યો હતો, જેમાં ટ્રકને ઓવરટેક કરી એને રોકવાનો પ્રયત્ન કરતાં ચાલકે ટ્રક પોલીસકર્મી પર ચડાવી દીધી હતી. આ બનાવમાં પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસબેડામાં ગમગીની વ્યાપી છે. પરિવારના કલ્પાંતે ગામમાં પણ શોકમગ્ન વાતાવરણ નિર્માણ કર્યું છે.

બોરસદ ટાઉનમાં ફરજ બજાવતા કિરણસિંહ રાજ નાઈટ ડ્યૂટી દરમિયાન વાહન ચેકિંગ કરતા હતા. એ દરમિયાન ટ્રકચાલકને ઊભી રાખવા ઈશારો કરતાં તેણે ટ્રક દોડાવી દીધી. કિરણસિંહે તેનો પીછો કરી ટ્રકની આગળ ઓવરટેક કરી ગાડી ઊભી કરી દીધી અને તે રોકવા કહેતાં ટ્રકચાલકે ટ્રક કિરણસિંહ ઉપર ચઢાવી દીધી હતી. એમાં પગને ભારે ઇજાઓ પહોંચતાં તેમને કરમસદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રાત્રિથી જ પોલીસકાફલો હોસ્પિટલમાં પહોંચ્યો હતો.આ અંગે આણંદ પોલીસ અધિક્ષક અજિત રાજ્યાણએ જણાવ્યું હતું કે,પોલીસકર્મી ઉપર ફરજ દરમિયાન થયેલી આ ઘટના ઇરાદાપૂર્વક કરેલો ગુનો છે. રાજસ્થાન પાસિંગની ટ્રક હાલ પોલીસ જાપતામાં છે. ફરિયાદ બાદ પોલીસે ટ્રાનસ્પોર્ટ માલિકને હાજર થવા જણાવતા ટ્રાનસ્પોર્ટ માલિક દ્વારા ટક્કર મારી ફરાર થયેલા ટ્રક ચાલક બોરસદ પોલીસ સ્ટેશન હાજર કરાયો છે. જેની સામે ઇપીકો કલમ 304 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.