વારાણસીમાં છોકરો જોવા જતાં રસ્તામાં દીકરીને માથામાં ઈજા થઈ, બ્રેઈનડેડ થતાં તેના અંગદાનથી 5 લોકોને નવજીવન મળ્યું
સિવિલ હોસ્પિટલમાં કિડનીના દાનની સંખ્યા ૧૦૦ એ પહોંચી – સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી
પ્રેમ ,વ્હાલ અને વાત્સલ્યની લાગણીઓ વચ્ચે ઉછરીને મોટી થયેલ દીકરી નિધીના લગ્ન નક્કી કરવા જામનગરના સોનુલાલ વારાણસી ગયા હતા. બાળપણથી પ્રેમ અને સ્નેહ વચ્ચે ઉછરેલી નિધી હવે અન્યોના પ્રેમ અને લાગણીઓ સાથે જોડાવવા જઇ રહી હતી. જામનગરથી વારાણસી જતી વખતે મુસાફરી દરમિયાન નિધીના સમગ્ર પરિવારે મનોમન લગ્નની સંપૂર્ણ તૈયારીઓ પણ કરી લીધી હશે. સગાઇથી લઇ કપડાની ખરીદી, ઠાઠ-માઠ થી લગ્ન કરવાની તડામાર તૈયારીનું મોજુ મનમાં ફરી ગયું હશે.આ તમામ વચ્ચે એકાએક કિસ્મતનું વંટોળ આવ્યું અને સોનુલાલને પિતા કહેનારી દિકરી તેમનાથી વિખૂટી પડી ગઇ.
હ્યદય, તેની બંને કિડની, લીવર અને સ્વાદુપિંડનું દાન
નિધીને માથાના ભાગમાં ઇજા થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.સારવાર દરમિયાન ક્ષણ માટે પણ એમ નહોતું લાગ્યું કે નિધી જીવન ટૂંકાવી દેશે. પરંતુ વિધાતાએ નિધીના લેખ કંઇક અલગ જ સ્યાહી થી લખ્યા હશે. 4 દિવસની સધન સારવારના અંતે નિધીને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવી. બ્રેઇનડેડ થયા બાદ નિધીના પિતાએ પોતાની દિકરીને અન્યોમાં જીવંત રાખવા અંગદાનનો નિર્ણય કર્યો.નિધીનું કોમળ અને ઋજુ સ્વભાવ ધરાવતું હ્યદય, તેની બંને કિડની, લીવર અને સ્વાદુપિંડનું દાન કરવામાં આવ્યું.જે અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. નિધી તો શ્રીવાસ્ત પરિવાર થી છૂટી પડી પરંતુ અન્ય 5 વ્યક્તિઓ અને પરિવાર થકી અંદાજીત 25 ને નવજીવન આપી ગઇ.
સિવિલમાં કુલ 195 અંગોથી 173 વ્યક્તિઓને નવજીવન મળ્યું
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ સ્વરે કહે છે કે, નિધી જેવા કેટલાય યુવાન લોહીં કે જેમણે પોતાની પ્રતિભાથી રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થવાનું હતુ તેઓ વિધીના લેખ આગળ ઘૂંટણીયા ટેકી ગયા. પરમાત્મા સામે તો કોઇનુંય ચાલતુ નથી. પરંતુ હા પરમાત્માની મરજી બાદ પરિવારજનોનો આત્મા જ્યારે અંગદાનની મંજૂરી આપે છે ત્યારે તે કદાચ પરમાત્મા સાથે પોતાના સ્વજનનું મિલન કરાવે છે. નિધીના અંગ દાનથી સિવિલ હોસ્પિટલમાં 100 કિડનીના દાન પૂર્ણ થયા છે. અત્યારસુધીમાં સિવિલ હોસ્પિટલમાં 62 અંગદાતાઓના અંગદાન થી મળેલા કુલ 195 અંગોથી 173 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે