બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 18 મે 2022 (08:53 IST)

#Gyanvapi વારાણસીની જ્ઞાનવાપી સંબંધિત 2 અરજીઓ પર બપોરે 12 વાગ્યે સુનાવણી, વકીલોની આજે હડતાળ

Kashi Vishwanath Gyanvapi masjid
ઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે મસ્જિદ પરિસરમાં જે જગ્યાએ 'શિવલિંગ' મળ્યું હોવાની વાત કરાઈ રહી છે, તે જગ્યાને સંરક્ષિત રાખવામાં આવે.
 
આ સાથે જ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે મુસ્લિમ પક્ષ માટે ત્યાં નમાજ પઢવામાં કોઈ રોક નહીં લગાવવામાં આવે. કોર્ટે આ મામલે આગામી સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખી છે.
 
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે પૂરો થયા બાદ દાવો કરવામાં આવ્યો છે કે પરિસરમાં 'શિવલિંગ' મળ્યું છે. ત્યાર બાદ સ્થાનિક કોર્ટે તે સ્થળને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપ્યો છે.
 
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના સરવેની વિરુદ્ધ મસ્જિદ પ્રબંધનની અરજી પર સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી થઈ હતી.
 
મંગળવારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને પી. એસ. નરસિમ્હાની ખંડપીઠ સમક્ષ અંજુમન ઇંતેજામિયા મસાજિદની પ્રબંધ કમિટીની અરજી પર સુનાવણી થઈ. આ જ કમિટી જ્ઞાનવાપી મસ્જિદની દેખરેખ રાખી રહી છે.
 
ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર અને તેની બરાબર નજીકમાં ઊભેલી જ્ઞાનવાપી મસ્જિદના નિર્માણ તથા પુનર્નિમાણ અંગે જાતજાતની ધારણાઓ છે.
 
આ ઉપરાંત તે અંગેનાં ઐતિહાસિક તથ્યો પણ આ બાબતે બહુ સ્પષ્ટ માહિતી આપતાં નથી. જાણો તેનો ઇતિહાસ શું છે અને કેવા કેવા દાવાઓ કરાઈ રહ્યા છે.
 
 
કોણે શું અરજી કરી અને કોર્ટે શું કહ્યું?
પાંચ મહિલાઓએ કોર્ટમાં અરજી દાખલ કરીને જ્ઞાનવાપી મસ્જિદની પાછળના ભાગમાં શૃંગાર ગૌરી, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, આદિ વિશ્વેશ્વર, નંદીજીની પ્રતિમાનાં દર્શન, પૂજા તથા તેમને ભોગ ચઢાવવાની મંજૂરી તેમને મળવી જોઈએ.
 
સાથે જ તેમની માગ છે કે અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ દ્વારા મસ્જિદ પરિસરમાં આવેલા દેવી-દેવતાઓની મૂર્તીઓ તોડતા કે અન્ય કોઈ રીતે નુકસાન કરતા અટકાવવામાં આવે અને વીડિયોગ્રાફી કરવામાં આવે.
 
12 મેના વારાણસી કોર્ટની એક બેન્ચે જ્ઞાનવાપી મસ્જિદમાં વીડિયોગ્રાફી અને સરવે કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ ત્રણ દિવસ માટે સર્વે અને વીડિયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો હતો.
 
તો મંગળવારે અંજુમન ઇંતેજામિયા મસાજિદની પ્રબંધ કમિટીનો પક્ષ રાખતા વકીલ હુઝેફા અહમદીએ બેન્ચને કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદમાં ચાલી રહેલા સર્વે વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે અને તેમણે આ મામલે અદાલત સમક્ષ વચગાળાનો આદેશ રજૂ કરવા માગ કરી.
 
તેમણે કહ્યું કે "જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે કરાવવાના આદેશ વિરુદ્ધ અમે એક અરજી દાખલ કરી છે. આ જગ્યાએ જૂના સમયથી મસ્જિદ રહેલી છે અને ધાર્મિક ઉપાસના સ્થળ કાયદા અંતર્ગત આ પ્રકારની કોઈ પણ કાર્યવાહી બાધિત છે.
 
 
જ્ઞાનવાપી મસ્જિદમાં શું મળ્યું?
મસ્જિદ પરિસરમાં ત્રણ દિવસનો સરવે પૂર્ણ થયા બાદ હિંદુ પક્ષના એક વકીલે દાવો કર્યો કે જ્ઞાનવાપી મસ્જિદમાં એક જગ્યાએ 12 ફૂટનું 'શિવલિંગ' મળ્યું છે અને એ સિવાય તળાવમાં કેટલાક અન્ય મહત્ત્વપૂર્ણ પુરાવા મળ્યા છે.
 
'શિવલિંગ' મળ્યા પછી વારાણસીના જિલ્લાધિકારી કૌશલ રાજ શર્માએ કહ્યું હતું, "અંદર શું જોવા મળ્યું છે તેની જાણકારી કોઈ પણ પક્ષ દ્વારા બહાર આપવામાં આવી નથી. તો કોઈ પણ ઉન્માદના આધારે નારા લગાવવાનો દાવો ખોટો છે."
 
આ પછી વકીલ હરિશંકર જૈને સ્થાનિક અદાલતતમા અરજી કરીને દાવો કર્યો કે કમિશનની કાર્યવાહી દરમિયાન 'શિવલિંગ' મસ્જિદ કૉમ્પ્લેક્સની અંદર મળ્યું છે. અદાલતમાં કહેવામાં આવ્યું છે કે આ ઘણો મોટો પુરાવો છે, એટલા માટે સીઆરપીએફ કમાન્ડન્ટને આદેશ આપવામાં આવે કે આને સીલ કરી દેવામાં આવે.
 
થોડા સમય પછી સ્થાનિક અદાલતે આ જગ્યાને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપ્યો હતો.
 
જજ રવિ કુમાર દિવાકરે પોતાના આદેશમાં લખ્યું, "એક કેસમાં પક્ષકારના વકીલ હરિશંકર જૈને સર્વેમાં શિવલિંગ મળવાની જાણકારી આપી છે અને તે જગ્યાને તાત્કાલિક સીલ કરી દેવામાં આવે."
 
"ડીએમને આદેશ આપવામાં આવે છે કે જે જગ્યાએ શિવલિંગ મળ્યું છે. તે સ્થાનને તાત્કાલિક સીલ કરી દે અને સીલ કરાયેલા સ્થળે કોઈ પણ વ્યક્તિની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે."
 
બનારસના જિલ્લાધિકારી કૌશલ રાજ શર્માએ અદાલતના આદેશની પુષ્ટિ કરીને બીબીસીને કહ્યું હતું, "આ વિસ્તાર 30 ફૂટ પહોળો અને 30 ફૂટ લાંબો છે અને તેને પહેલાંથી જ કવર કરવામાં આવ્યો છે. આમાં ત્રણ દરવાજા છે. વહીવટીતંત્ર આ ત્રણ દરવાજાને સીલ કરશે."
 
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે મસ્જિદની એન્ટ્રીને બંધ કરવામાં આવી રહી છે તો તેમણે કહ્યું, "ના એવું નથી આ મસ્જિદની અંદર ખુલ્લા વિસ્તારમાં બનેલું કૃત્રિમ તળાવ છે. આમાં ત્રણ દરવાજા છે તેને જ બંધ કરવામાં આવશે. આ આખા પરિસરનો 10 ટકા ભાગ હશે. બાકીનો ભાગ મુસ્લિમ સમાજ ઉપયોગ કરી શકે છે."
 
વજૂવાળો ભાગ બંધ થઈ ગયો તો ડીએમ શર્માએ કહ્યું, "જી હા, વજૂની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે વહીવટીતંત્ર પોતાના તરફથી મદદ કરશે."
 
વજૂના તળાવમાં શિવલિંગના દાવા વિશે અંજુમન ઇંતેજામિયાના વકીલ રઇસ અહમદનું કહેવું છે, "જેને તેઓ શિવલિંગ કહે છે, તે એક વજૂખાનામાં વચ્ચે લગાવેલો એક ફુવારો છે."
 
"તે નીચેથી પહોળો હોય છે અને ઉપરથી સાંકડો હોય છે. તેનો આકાર શિવલિંગ જેવો હોય છે. એ લોકો ફુવારાને શિવલિંગ કહી રહ્યા છે અને તેના આધારે તેમણે મોટો વિવાદ ઊભો કરી દીધો છે."
 
મુસ્લિમ પક્ષકારોનું કહેવું છે કે 1991ના ઉપાસનાસ્થળના કાયદા હેઠળ સર્વેક્ષણની પ્રક્રિયા સ્પષ્ટપણે પ્રતિબંધિત છે. વારાણસીની કોર્ટના સર્વેના આદેશને ઉત્તર પ્રદેશ હારઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જોકે મુસ્લિમ પક્ષને રાહત ન મળતા તે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.