શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 મે 2018 (13:34 IST)

Heat Wave in Gujarat - ગુજરાતમાં કાળઝાળ ગરમી યથાવત્ : અમદાવાદમાં 43 ડિગ્રી

સમગ્ર રાજ્યમાં ફરી વળેલ કાળઝાળ ગરમીનું મોજુ આજે પણ યથાવત્ રહ્યું હતુ. ગઇ કાલની સરખામણીએ આજે અમદાવાદનુ મહત્તમ સામાન્ય વધી 43 ડિગ્રીએ પહોંચી જતા લોકોએ બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ કર્યો હતો. જ્યારે સતત ત્રીજા દિવસે 44 ડિગ્રી સાથે ભાવનગર રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું. 

બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ગરમ-સુકા પવન જારી રહેશે જેના કારણે ગરમીમાં વધારો થવાની શક્યતા છે અને અમદાવાદનું મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેશે.

રાજ્યના વિવિધ શહેરના તાપમાન સતત ચોથા દિવસે 40 ડિગ્રીની આસપાસ રહેતા બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થયો હતો. મે મહિનાની શરૂઆતથી જ પડી રહેલી કાળઝાળ ગરમી આગામી દિવસોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આજે બપોરે તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જવાની સાથે સાથે ગરમ-સુકા પવન ફૂંકાતા આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યાં હોય તેવો અહેસાસ લોકોએ કર્યો હતો. 

એક તબક્કે તો બપોરે ફૂંકાયેલા ગરમ અને સુકા પવનથી બચવા લોકોએ ઘરમાં જ પુરાઇ રહેવાનુ પસંદ કર્યું હતુ જેના કારણે ગરમીએ જનજીવન બાનમાં લીધુ હોય તેમ જણાતું હતુ. ત્યારે મે મહિનાના અંતમાં હજુ ગરમી વધે તેવી પુરેપુરી શક્યતા છે. બીજી તરફ સતત પડી રહેલી ગરમીને કારણે લૂ લાગવાના અને ડિ હાઇડ્રેશનના કિસ્સામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે ગરમીમાં વધુ પ્રમાણમાં પ્રવાહી લેવાની સલાહ તબીબો આપી રહ્યાં છે.