સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 એપ્રિલ 2021 (14:21 IST)

વડોદરાના સ્મશાનોમાં અસ્થિ ભરેલા પોટલાઓના ઢગલા થઈ ગયા

ગુજરાતમાં કોરોના હવે ઘાતક બન્યો છે. રોજેરોજ નવા કેસ હદ વટાવી રહ્યાં છે. ત્યારે વડોદરામાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ સામે આવી છે. વડોદરા શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના કારણે મૃત્યુ પામેલા સ્વજનના અસ્થી લેવા માટે પરિવારજનો ન આવતા સ્મશાનોમાં અસ્થિઓ ભરેલા પોટલાઓના ઢગલા થઈ ગયા છે. કોરોનામાં મૃત્યુ આક વધી જતા સ્મશાનોમાં 24 કલાક સળગી રહેલી ચિતાઓના કારણે સર્જાતા ભયાનક દ્રશ્યોના કારણે અસ્થિઓ લેવા જવા માટે પણ પરિવારજનો ગભરાઇ રહ્યા છે.

સામાન્ય રીતે હિન્દુઓમાં અગ્નિસંસ્કારના ત્રીજા દિવસે અસ્થિઓ લેવા માટે પરિવારના સભ્ય સ્મશાનમાં જતા હોય છે અને અસ્થિઓને લઈ ચાંદોદ નર્મદા ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરી પોતાના સ્વજન માટે મોક્ષ પ્રાપ્તી માટે ભગવાનને પ્રાર્થના કરે છે, પરંતુ, કોરોનામા મૃત્યુ પામતા સ્વજનના અસ્થિ વિસર્જન માટે પરિવારના સભ્યો અસ્થિઓ લેવા માટે ન આવતા સ્મશાનમાં કામ કરી રહેલા સ્વયંસેવકો દ્વારા ચિતાઓ ખાલી કરવા માટે અસ્થિઓને ભેગી કરી પોટલા બનાવી રહ્યા છે.વડોદરાના ખાસવાડી સ્મશાન સહિત વિવિધ સ્મશાનોમાં કોરોનાના દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. કોરોનામાં મૃત્યુ પામેલા લોકોની અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગતી હોવાથી સ્મશાનોમાં કામ કરતા સ્વયંસેવકો દ્વારા ઝડપભેર ચિતાઓ ખાલી કરવામાં આવી રહી છે. ચિતા ખાલી થયા બાદ વેઇટિંગમાં રહેલામૃતદેહોને અંતિમ સંસ્કાર આપવામાં આવી રહ્યા છે.