શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :વડોદરા , મંગળવાર, 13 ઑગસ્ટ 2024 (14:59 IST)

હજી તો અમેરિકા જવાની તૈયારી કરી હતી અને ખરીદી કરવા જતાં જ મોત મળ્યું

accident cctv
accident cctv
 રાજ્યના મોટા શહેરોમાં વધી રહેલા ટ્રાફિકને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં એક્ટિવા લઈને જતી 12મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને ટ્રક ચાલકે ટક્કર મારતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ મામલે કારેલીબાગ પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.વિદ્યાર્થિનીને 10 વર્ષના વિઝા મળતા તે એક મહિનાની અંદર જ અમેરિકા જવાની હતી પરંતુ કાળ બનીને આવેલી ટ્રક તેને ભરખી ગઈ હતી.
 
ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમે મામા ફોઈના ભાઈ બહેન પાણીની ટાંકી સર્કલ પાસે આવેલ બોમ્બે સેલમાં ખરીદી કરવા ગયા હતાં અને પરત ફરતાં કેયા મારૂ એક્ટિવા ચલાવતી હતી અને હું તેની પાછળ બેઠી હતી અને અમો બોમ્બે સેલથી આગળ મુક્તાનંદ તરફ જતા રોડ પરથી યુ ટર્ન મારી પાણીની ટાંકી સર્કલથી અમિતનગર તરફ જતા હતા. તે વખતે એક આઇસર ટ્રકચાલકે પૂરઝડપે ટ્રક ચલાવીને અચાનક ટર્ન મારી અમારા એક્ટિવાને ટક્કર મારી હતી. ટ્રક ચાલકે ટક્કર મારતાં હું નીચે પડી ગઈ હતી અને મને ડાબા પગના પંજા અને ડાબા પગના ઘૂંટણ પર ઇજા થઈ હતી. 
 
પોલીસે આરોપી આઇસર ટ્રકચાલકની ધરપકડ કરી
કેયાના નાકમાંથી અને જમણા પગના ઘૂંટણ પરથી લોહી નીકળતું હતું અને બેભાન થઇ ગઈ હતી.આ સમયે મારા મામા આવી ગયા હતાં અને કેયાને 108માં નવરંગ હોસ્પિટલ ખાતે લઇ ગયાં હતાં. ત્યાર બાદ અમે સયાજી હોસ્પિટલ ખાતે લઇ ગયાં હતાં. જ્યાં તબીબોએ કેયાને મૃત જાહેર કરી હતી. આ મામલે મેં આઈસર ટ્રકના ચાલક સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી આઇસર ટ્રકચાલકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.