ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 જૂન 2018 (13:02 IST)

એકથી ચાર માસ સુધીનાં 14 બચ્ચાઓ સાથે પાંચ સિંહણોનો સમૂહ જોવા મળતા આશ્ચર્ય

ગીર જંગલમાં હરણ, ભુંડ, નીલગાયના ટોળાઓ દરરોજ નજરે ચડતા હોય છે, પરંતુ સિંહોનું ટોળુ ભાગ્યે જ જોવા મળતું હોય છે. વિસાવદર નજીકનાં જંગલ વિસ્તારમાં ૧૪ સિંહબાળો સાથે પાંચ સિંહણ એક સાથે જોવા મળતા ખુદ વનવિભાગનાં અધિકારીઓ રોમાંચ સાથે આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેમણે સિંહોનાં આ ગૃપનું સતત મોનિટરીંગ પણ ચાલુ કરી દીધું છે. વિસાવદર રેંજ હેઠળના કુટીયા અને ખાંભડા રાઉન્ડ વિસ્તારમાં પાંચ સિંહણો દ્વારા ૧૪ બચ્ચાઓને જન્મ આપવામાં આવ્યો છે. પાંચેય સિંહણો તેમના બચ્ચા સાથે ખાંભડા, કુટીયા રાઉન્ડ હેઠળના જંગલ વિસ્તાર તથા રામપરા અને બદકના રેવન્યુ વિસ્તારમાં વિચરી રહી છે. સૌ પ્રથમ વખત આ ગૃપ વનકર્મીને નજરે ચડતા તેમણે તુરંત જ ઉપરી અધિકારીને જાણ કરતા અધિકારીએ પણ આ વાતની ખરાઈ કરવા માટે જંગલ વિસ્તારમાં જઈ ૧૪ સિંહબાળ અને તેની પાંચ સિંહણ માતાને નજરો નજર નિહાળતા નવાઈ પામ્યા હતાં. વન વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે આ૧૯ સિંહ-સિંહણના ગૃપમાં બેથી ત્રણ સિંહણો મારણ માટે અવાર નવાર અલગ પડે છે અને તેણે તાજેતરમાં બે નિલગાય અને બે હરણનો પણ શિકાર કર્યો હતો. જ્યારે આ સિંહણો શિકારમાં જાય ત્યારે બચ્ચાઓ અન્ય બે સિંહણો સાચવીને બેસી રહેતી હોય છે. સિંહણો દ્વારા મારણ કરવામાં આવે ત્યારે તે સિંહણનાં કોલથી અન્ય સિંહણો બચ્ચાઓને મારણ સુધી પણ લઈને જાય છે. આ સિંહણો રાત્રીનાં સમયે માનવીની અવર જવર ન હોય તેવા વિસ્તારમાં બચ્ચાઓને લઈ વિચરતી હોય છે. ૧૪ સિંહ બાળ એક માસથી લઈ ચારેક માસ સુધીનાં છે. પાંચ સિંહણો અને બચ્ચાઓનું ગૃપ રાત્રીનાં સમયે એક સાથે જંગલનાં રસ્તાઓ પર નિકળે ત્યારે રોડ પર બચ્ચાઓની લાંબી લાઈન જોઈ ખુદ વનવિભાગનો સ્ટાફ પણ રોમાંચિત થઈ જાય છે. આ ગૃપનું વનવિભાગ સતત મોનિટરીંગ કરી રહ્યું છે. હાલમાં ચોમાસાની શરૃઆત હોય અને સિંહ બાળોને રમત દરમ્યાન ઈજા થાય તો તુરંત જ સારવાર મળી રહે અને રેવન્યુ વિસ્તારમાં હેરાનગતિનો ભોગ ન બને તે માટે ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.