ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 જૂન 2018 (11:28 IST)

નીતિન પટેલને સીએમના ખાતા તો મળ્યા પણ પાવર નહીં

મંગળવારે મુખ્યમંત્રી વિજય રુપાણી 6 દિવસ માટે ઈઝરાયેલ પ્રવાસે ગયા આ સાથે જ રાજ્યમાં એક નવી ચર્ચાએ જન્મ લીધો છે. એવી ચર્ચા ચાલી હતી કે ભૂતકાળમાં અનેક વાર રાજ્યના સીએમ બનાવાનો મોકો વેંત એકથી ચૂકી ગયેલા ડે. સીએમ નીતિન પટેલને કદાચ 6 દિવસ માટે આ લાભ મળશે. જોકે રુપાણીએ છેવટ સુધી પોતાની ગેરહાજરીમાં કોઈને પણ સીએમનો ચાર્જ ન સોંપતા હાલ તો સીએમ પાસે રહેલા ખાતા જ ફક્ત નીતિનભાઈના ફાળે આવ્યા છે પરંતુ તેમાં કોઈ આદેશ કરવાનો ચાર્જ તેમની પાસે નથી.
સીએમ રુપાણીએ વિદેશ પ્રવાસે જતા પહેલા પોતાના તમામ ખાતા નીતિન પેટેલ અને શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા વચ્ચે ફાળવ્યા છે. મંગળવારે સીએમ રુપાણી અને ચીફ સેક્રિટરી જે.એન. સિંહના નામે ઇશ્યુ કરવામાં આવેલ રીઝોલ્યુશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગુજરાત સરકારના કામકાજ નિયમો-1990 અંતર્ગત નિયમ નંબર 5(3) મુજબ હું, વિજય રુપાણી ગુજરાત રાજ્યનો મુખ્યમંત્રી 26 જૂન 2018થી 1 જુલાઈ 2018 સુધી ઈઝરાયેલ પ્રવાસે છું આ દરમિયાન નીચે મુજબના મારા હસ્તકના ખાતા અહીં જણાવેલ મંત્રીઓને ફાળવી આપું છું.’આ પરિપત્રમાં મુખ્યમંત્રીએ નીતિનભાઈને અર્બન ડેવલોપમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ, પ્લાનિંગ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી તેમજ બંદર જેવા વિભાગો સોંપ્યા છે. જ્યારે ખાણ-ખનીજ, પેટ્રોકેમિકલ્સ અને માહિતી ખાતું ચુડાસમાને સોંપ્યું છે. જ્યારે બે મહત્વના ખાતા સામાન્ય વહિવટી વિભાગ અને ગૃહ વિભાગ કોઈને પણ સોંપવામાં આવ્યા નથી. તો આ સાથે એ પણ ચોખ્ખવટ કરવામાં નથી આવી કે કોણ કેબિનેટ બેઠકની આગેવાની કરશે. અફવાનોને ત્યારે વધારે બળ મળ્યું જ્યારે તમામ કેબિનેટ પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ સીએમ રુપાણીને વિદાય આપવા માટે એરપોર્ટ ગયા હતા પરંતુ નીતિનભાઈ પટેલ વ્યસ્તતાનું કારણ આગળ રાખી ક્યાંય હાજર રહ્યા નહોતા. રાજ્યમાં જ્યારે પણ મુખ્યમંત્રી વિદેશ પ્રવાસે જાય ત્યારે તેની કેબીનેટના સૌથી વરિષ્ઠ પ્રધાનને પોતાનો ચાર્જ સોંપીને જતા હોય છે. આ પહેલા મોદી અને કેશુભાઈ પટેલ પણ આ જ રીતે વિદેશ પ્રવાસમાં ચાર્જ સોંપીને જતા હતા.