જાણો ગૃહમંત્રીએ સુરત પોલીસને 10 લાખનું ઇનામ આપવાની જાહેરાત કેમ કરી?
સુરતમાં થયેલી રૂપિયા 12 કરોડની લૂંટની ઘટના અંગે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ 12 કરોડના હીરાની લૂંટનો ભેદ ઉકેલી લૂંટના હીરા પરત મેળવવામાં માટે સુરત પોલીસને અભિનંદન આપતા જણાવ્યું કે ગણતરીના સમયમાં લૂંટ કરનારને પકડી સુરત પોલીસે તમામ હીરા પરત મેળવ્યા હતા. આ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સુરત પોલીસને દસ લાખ રૂપિયાનું ઇનામ આપવાનો નિર્ણય કર્યો છે.પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં જવાબ આપતા જણાવ્યું હતું કે સુરતની ગ્લો સ્ટાર ડાયમંડ કંપનીના મેનેજર સુરતના કતારગામ ખાતે 12 કરોડની કિંમતના હીરા સેફ લોકરમાં મુકવા જતા હતા ત્યારે પાંચ અજાણ્યા માણસોએ શોક બેટનથી મેનેજરને ઇજા પહોંચાડી અને કારના ટાયર ઉપર બે રાઉન્ડ ગોળી ચલાવી 12 કરોડના હીરા લૂંટી લીધા હતા. પરંતુ સુરત પોલીસ તરત હરકતમાં આવી હતી અને ત્યાં લાગેલા સીસી ટીવીના આધારે તપાસ શરૂ કરતાં પોલીસ ઉપયોગમાં લેવાયેલી કારના માલિક સુધી પહોંચી હતી પણ કાર માલિકે તેની કાર વેચી મારી હતી. આમ છતાં સુરત પોલીસે મહેનત કરી ઉત્તર પ્રદેશના બે આરોપી સહિત ત્રણ આરોપીને ઝડપી લઈ રૂપિયા 12.68 કરોડના હીરા પણ શોધી કાઢ્યા હતા. મુખ્યમંત્રીએ સુરત પોલીસની કામગીરી બિરદાવવા માટે દસ લાખના ઇનામ આપવાની જાહેરાત કરી છે.