ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ નવા સીએમ અને ડેપ્યુટી સીએમને કરી અપીલ
26મી ડિસેમ્બરે ગુજરાતમાં ગાંધીનગરના સચિવાલય ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં ભાજપશાસિત રાજ્યોનાં મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ હાજર રહ્યાં.નવી સરકારના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓને રાજ્યપાલ ઓ પી કોહલી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યાં હતાં. નવ નિર્મિત સરકાર અંગે વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ભાજપનું જે 150 બેઠકોનું ઘમંડ હતું તે ચૂર થઈને ડબલ ડિજિટમાં આવી ગયા તે કોઈ હાર્દિક, અલ્પેશ કે જિજ્ઞેશના કારણે નથી આવ્યાં પરંતુ એટલા માટે આવ્યાં કારણ કે 22 વર્ષમાં સરકારે બંધારણનું પાલન નથી કર્યું. અનેક આંદોલનો થયા, પરંતુ એક પણ આંદોલનની જેન્યુઈન ડિમાન્ડ સરકારે સંતોષી નથી. મેવાણીએ કહ્યું કે આ શપથવિધિ દ્વારા તેમણે કહ્યું કે બંધારણનું પાલન કરીશું, રાગ અને દ્વેષથી વર્તીશુ નહી. તેમણે અપીલ કરતા કહ્યું કે વિજય રૂપાણી, નીતિન પટેલ અને અન્યોએ જે પણ શપથ લીધા તેને વળગી રહે. રાજ્યની સાડા છ કરોડની જનતા ઈચ્છે છે કે રાજ્યમાં પૂર્ણ સ્વરૂપે બંધારણ લાગુ થાય. કાયદાનું શાસન આવે. નલિયાકાંડ જેવી ઘટનાઓ ન બને. કે પાટીદાર સમાજના 14 દીકરાઓને રહેંસી નાખવામાં ન આવે. મેવાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને અપીલ કરતા કહ્યું કે હું પણ હવે તમારી એસેમ્બલીમાં તમારી સાથે બેસવાનો છું તો કોઈ પણ પ્રકારનો રાગ અને દ્વેષ નહીં રાખવાની તમે શપથ લીધી છે. તો મારી જોડે પણ તમે ના રાખતા અને હાર્દિક પટેલ સાથે પણ ન રાખતા અને જે કોઈ પણ આંદોલનકારીઓ છે તેમની સાથે ન રાખતા.