ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 સપ્ટેમ્બર 2022 (11:45 IST)

ગુજરાતની ‘ગીર કેસર’ કેરીને મળ્યું વિશેષ સન્માન, કેસર અને હાફુસ કેરીની થાય છે નિકાસ

ગુજરાતમાં ફળોના રાજા કેરી એટલે કે આંબાના પાકના વાવેતર માટે  ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં બાગાયત વિભાગ દ્વારા ખાસ પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. ગુજરાતમાં આંબાની ખેતી માટે પ્રતિ હેક્ટર  ખર્ચના ૪૦ % કે મહતમ રૂ. ૪૦,૦૦૦/ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે. જેમાં આંબાની ખેતી માટે લાભાર્થી દીઠ આજીવન મહત્તમ ચાર હેક્ટરની મર્યાદામાં ખર્ચના મહત્તમ રૂ.૪૦,૦૦૦ લેખે કુલ રૂ. ૧.૬૦ લાખની સહાય આપવામાં આવે છે. 
 
ઉપરાંત રાજય સરકાર વધારાની પૂરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુસૂચિત જન જાતિ તથા અનુસૂચિત જાતિના  ખેડૂતને ૨૫ ટકા સહાય ફ્કત વાવેતર માટે જ આપવામાં આવે છે. આ સહાય યોજનાનો મહત્તમ લાભ લેવા આંબાના પાકનું વાવેતર કરતા ખેડૂત મિત્રોને કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે આહૃવાન કર્યું હતું. 
કૃષિ મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આપણા સૌ માટે ગૌરવસમાન ગુજરાતની ‘ગીર કેસર’ કેરીને GI ટેગનું સન્માન પ્રાપ્ત થયું છે. 
 
ગુજરાતમાં  અંદાજે ૧.૬૬ લાખ હેકટર વિસ્તારમાં આંબા પાકના વાવેતર થકી અંદાજે ૯.૧૭ લાખ મે.ટન કેરીનું ઉત્પાદન થાય છે. રાજ્યમાં વલસાડ, નવસારી, ગીર સોમનાથ, જુનાગઢ અને કચ્છ જિલ્લામાં કેરીની વિવિધ જાતોનું મહત્તમ વાવેતર થાય છે. ભારતમાંથી અને ખાસ કરીને ગુજરાતમાંથી કેસર અને હાફુસ તેમજ ઉત્તર ભારતમાંથી દશેહરી અને ચૌસા જાતની કેરીની પરદેશમાં નિકાસ કરવામાં આવે છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.   
 
અત્રે ઉલ્લેખનીય છે કે આંબાનુ મૂળ વતન ઉત્તર પૂર્વ ભારત અને ઉત્તર બર્માના હિમાલયના પહાડી પ્રદેશો મનાય છે. આંબાની ખેતી હેઠળનો વિસ્તાર, કેરીનું ઉત્પાદન અને તેનું પોષણ મૂલ્ય તથા લોક ભોગ્યતાની દ્રષ્ટિએ તે વિશ્વમાં બિનહરિફ છે. આથી જ કેરીને ફળોના રાજાનું બિરૂદ આપવામાં આવ્યું છે. કેરી ભારતનું અતિ પ્રાચીન ફળ છે અને તે રાષ્ટ્રીય ફળ તરીકે પણ જાણીતું છે. 
 
આ ઉપરાંત ભારતમાં કશ્મિર અને સિક્કિમ પ્રદેશ સિવાય બાકીના બધા જ રાજયોમાં આંબાનું વાવેતર થાય છે. ઉત્તર ભારતમાં દશેરી, લંગડા, રતૌલ, ચૌસા, સફેદા, મધ્ય અને પૂર્વ ભારતમાં દશેરી, લંગડા, કીશનભોગ, દક્ષિણ ભારતમાં તોતાપુરી (બેંગ્લોરા), નીલમ, બનેશાન, બંગનપલ્લી, પેડારસમ, સુવર્ણરેખા અને પશ્ચિમ ભારતમાં આફુસ, કેસર, રાજાપુરી, ફર્નાન્ડીન, જમાદાર વગેરે જાતો ખૂબ જ પ્રચલિત કોઈ વ્યાપારિક ધોરણે ઉગાડવામાં આવે છે.
 
વધુમાં કેરીની વિવિધ બનાવટોનું ઉત્પાદન અને નિકાસમાં વિશ્વમાં ભારત અગ્રસ્થાને છે. એક અંદાજ મુજબ ભારતમાં ઉત્પન્ન થતી કેરીના એક ટકા કેરીમાંથી વિવિધ બનાવટો તૈયાર કરવામાં આવે છે, જયારે ૦.૫૫ ટકા જેટલી તાજી કેરીની નિકાસ થાય છે. ભારત દેશમાંથી તાજી કેરી અને કેરીની બનાવટોની નિકાસની ભરપૂર શકયતાઓ રહેલી છે.