ગૃહ મંત્રીએ નળકાંઠાના યુવાનોને અનુરોધ કર્યો તેમનાં ગામમાં કુદરતી ખેતી કરતા ખેડૂતોનો અનુભવ જાણે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં કિસાન સંમેલનને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, ઘણાં વર્ષોથી આ વિસ્તારનાં 164 ગામો સમગ્ર સિંચાઈ વ્યવસ્થાથી વંચિત રહ્યાં છે, પરંતુ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સરકારે આ કડીમાં ફતેવાડી, ખારીકટ અને નળકાંઠા વિસ્તારનાં 164 ગામોને નર્મદા કમાન્ડમાં સમાવીને સિંચાઈને લગતી સમસ્યાનો અંત આણ્યો છે.
હવે સિંચાઈની સમસ્યાથી પરેશાન 164 ગામના ખેડૂતોની 53215 હૅક્ટર જમીન સુધી નર્મદાનું પાણી પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું છે, જેનો લાભ લાખો લોકોને મળશે. તેમણે જણાવ્યું હતું કે, હવે નર્મદાનું પાણી નહેર મારફતે આવશે અને ખેડૂતો આ 70 હજાર હૅક્ટર જમીન પર ત્રણ પેદાશોનું ઉત્પાદન કરી શકશે તો આ વિસ્તાર સમૃદ્ધિથી ભરપૂર બનશે.
અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ નર્મદાનું પાણી ગુજરાતમાં અહીં સુધી લાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અગાઉની સરકારોએ કોઇને કોઇ બહાને 1964થી નર્મદા યોજના અટકાવી રાખી હતી, પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે સૌ પ્રથમ ગુજરાતના ભગીરથ તરીકે કામ કર્યું અને નર્મદા યોજનાને અમદાવાદ સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું.
અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ છેલ્લાં 8 વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. કૃષિ વીમાને વૈજ્ઞાનિક અને લોકો માટે આકર્ષક બનાવવા માટે એટલો સરળ બનાવ્યો કે સામાન્ય લોકો તેનો ઉપયોગ કરી શકે. નરેન્દ્ર મોદીએ દર વર્ષે નાના, મોટા અને સીમાંત ખેડૂતોનાં બૅન્ક ખાતામાં 6000 રૂપિયા સીધા જમા કરાવવાની વ્યવસ્થા કરી છે.
કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ યુરિયા કે ખાતરનાં કાળાબજાર થતાં હતાં અને ખેડૂતોને તેમનો હક મળતો ન હતો, પરંતુ મોદીજીએ નીમ કોટેડ યુરિયાની શરૂઆત કરીને ખાતરનાં કાળાબજારનો અંત આણ્યો હતો અને હવે તેઓ કુદરતી ખેતીને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. અમિત શાહે તમામ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લગભગ ત્રણ લાખથી વધુ ખેડૂતોએ કુદરતી ખેતી અપનાવી છે.
તેમણે કહ્યું કે એક ગાયથી 21 એકરની પ્રાકૃતિક ખેતી થાય છે અને યુરિયા, જંતુનાશકો વગેરે પર કોઈ ખર્ચ થતો નથી અને ઉત્પાદનમાં લગભગ સવા ગણો વધારો થાય છે. અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના ખેડૂતોને કુદરતી ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. ગૃહ મંત્રીએ નળકાંઠાના યુવાનોને અનુરોધ કર્યો હતો કે, તેઓ પોતાનાં ગામમાં કુદરતી ખેતી કરતા પાંચ-દસ પ્રગતિશીલ ખેડૂતો સાથે વાત કરે અને કુદરતી ખેતી અંગેના તેમના અનુભવો જાણે.
અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકારિતા મંત્રાલય મારફતે ઘણી નવી શરૂઆત કરી છે. પ્રાથમિક સેવા સહકારી મંડળોમાં પહેલાં માત્ર ધિરાણ આપવાનું કામ થતું હતું, પરંતુ હવે તેઓ એફપીઓ તરીકે પણ કામ કરી શકશે. આ મંડળો હવે ગેસની એજન્સી લઈ શકશે, તેમને પેટ્રોલ પંપોમાં પણ અગ્રતા આપવામાં આવશે, પાણી વિતરણ અને પીસીઓની કામગીરી પણ કરી શકશે. આવાં અનેક કામોને પ્રધાનમંત્રી મોદીએ પ્રાથમિક સેવા સહકારી મંડળો અંતર્ગત જોડવાનું કામ કર્યું છે.
તેમણે કહ્યું કે, "ટૂંક સમયમાં અમે એક નવી મલ્ટિસ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી બનાવવા જઈ રહ્યા છીએ જે એક્સપોર્ટ હાઉસની જેમ કામ કરશે અને ખેડૂતોનાં ઉત્પાદનોની નિકાસ કરશે અને નફો ખેડૂતનાં બૅન્ક ખાતામાં જશે." આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી માટે માર્કેટિંગ, સર્ટિફિકેશન અને ટેસ્ટિંગની કોઈ વ્યવસ્થા નથી, માટી અને તેની ઊપજ બંનેની યોગ્ય ચકાસણી થાય અને અમૂલ સાથે તેનું બ્રાન્ડિંગ થાય, એવી સહકારી મંડળી બનાવવાની દિશામાં પણ અમે આગળ વધી રહ્યા છીએ.