23 સિંહોના મોતને લઇને ધારી સજ્જડ બંધ, વેપારીઓનો સંપૂર્ણ ટેકો
ગીર પૂર્વ વિસ્તારમાં આવતી દલખાણીયા રેન્જમાં 23 સિંહોના ભેદી રીતે થયેલા મોતને લઇને આજે ધારીએ સજ્જડ બંધ પાળ્યો છે. ધારીના બજરંગ ગ્રુપ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળતા સિંહપ્રેમીઓ અને પર્યાવરણપ્રેમીઓમાં પણ ઉત્સાહ વધ્યો છે. બંધમાં ધારીના તમામ વેપારીઓએ પોતાનો ટેકો આપ્યો છે. મૃતક વનરાજાનું બેસણું વિસાવદર ખાતે યોજાશે. એશિયાટીક સાવજોએ પૂરી દુનિયામાં ગીરનું નામ રોશન કર્યું છે એવા સિંહના પર્યાય બનેલા માલધારીઓ 23-23 સિંહના થયેલા દુઃખદ અવસાનને લઇ ઉંડો શોક વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે મૃતક આત્માની પાછળ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ તેનું બેસણું રાખવાની પરંપરા છે ત્યારે ગીરના માલધારીઓ સાવજોને પોતાના પરિવારનો સભ્ય જ ગણતા હોય છે જેથી કુટુંબના સભ્યો એવા સાવજોના થયેલા કરૂણ મૃત્યુને લઇ વિસાવદર ગીર માલધારી સમાજ દ્વારા સાવજોનું બેસણાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ બેસણામાં સિંહપ્રેમીઓ, માલધારીઓ, વેપારીઓ ગીરની બોર્ડર પર વસવાટ કરતા ગ્રામજનો અને વિવિધ સામાજિક, ધાર્મિક સંસ્થાઓ તથા સિંહ અને ગીર માટે કામ કરતા વિવિધ એનજીઓ દ્વારા સાવજોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.