શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 21 ઑગસ્ટ 2024 (11:10 IST)

આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર, કયા બિલ રજૂ કરાશે

vidhansabha
ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુંસત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્રમાં સરકાર ઓછાંમાં ઓછાં પાંચ બિલ લાવવા જઈ રહી છે.
 
તેમાં માનવબલિ, કાળાજાદુ અને અઘોરી પર લગામ લાવવા માટેનું બિલ મુખ્ય મનાય છે.
 
વિધાનસભાના આ ટૂંકા સત્રમાં કેટલાક સુધારા વિધેયક જેવાં કે ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક, ગુજરાત નશાબંધી (સુધારા) વિધેયક, ગુજરાત કાયદા (જોગવાઈઓના સુધારા) વિધેયક રજૂ કરવામાં આવશે.
 
ચોમાસું સત્રમાં સરકાર ગુજરાત નશાબંધી બિલ (સુધારો), 2024 પણ રજૂ કરશે.
 
ગુજરાતમાં કોઈ વ્યક્તિ કોઈ કેફી પદાર્થ, ભાંગ-ગાંજા, મહુડાનાં ફૂલો વગેરે લઈ જતા પશુઓ, ગાડાં અથવા વાહનમાં પકડાય તો કોર્ટના આખરી ચુકાદા સુધી સરકારે જપ્ત કરેલાં વાહનો માલિકોને પરત કરી શકાતાં નથી અને કેસના છેલ્લા ચુકાદા સુધી પોલીસ સ્ટેશન અથવા કોર્ટના ફળિયામાં વણવપરાયેલાં પડી રહે છે.
 
જોકે, આ સમસ્યાનો ઉકેલ લાવવાં માટે સરકારે હરાજી મારફતે આવાં વાહનોનો નિકાલ કરવા માટે એક વટહુકમ જાહેર કર્યો હતો.
 
રાજ્ય સરકાર હવે આ બાબતે ગુજરાત નશાબંધી (સુધારા) વિધેયક, 2024 વિધાનસભામાં રજુ કરશે જેથી કરીને નશાબંધી ભંગ કરવા બદલ પકડાતાં વાહનોની હરાજી કરી શકાય.
 
કૉંગ્રેસે કહ્યું હતું કે સરકારે ખૂબ શૉર્ટ નોટિસ પર વિધાનસભાનું આ સત્ર બોલાવ્યું છે. તેનું કહેવું છે કે સરકારે 21 ઑગસ્ટના સત્રની જાણ 6 ઑગસ્ટે જ કરી હતી.
 
કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, “તેના કારણે તારાંકિત પ્રશ્નોના કોઈ જવાબ આપવામાં આવશે નહીં. અમે પ્રશ્નો મોકલી રહ્યા છીએ પરંતુ ટૂંકાગાળાની નોટિસને કારણે નિયમ હેઠળ અમારા પ્રશ્નોને રદ કરી દેવામાં આવશે. આ બાબતથી એ સ્પષ્ટ થાય છે કે સરકાર એકપણ બાબતે કોઈ ચર્ચા ઇચ્છતી જ નથી.”