શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 13 જુલાઈ 2023 (17:50 IST)

ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા ચાર ગુજરાતીઓ ગુમ, એકનો તો છ મહિનાથી સંપર્ક થયો નથી

Gujaratis who went to America illegally are missing
Gujaratis who went to America illegally are missing
મહેસાણાના એજન્ટે 70 લાખમાં અમેરિકા મોકલવાના નામે છેતરપિંડી કરી હોવાની પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ 
ફરિયાદીના પતિ મુંબઇથી નેધરલેન્ડ, પોર્ટ ઓફ સ્પેન અને ત્યાંથી યુવકને ડોમિનિકા લઇ જવાયા બાદ છેલ્લા છ મહિનાથી ગુમ છે.
 
અમેરિકા જવા માટે એજન્ટને 20 લાખ રૂપિયા આપી વધુ એક ગુજરાતી યુવક છેલ્લા છ મહિનાથી ગુમ થયાની ફરિયાદ તેની પત્નીએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. યુવકની સાથે આઠ ગુજરાતીઓ પણ હતા એમ જણાવવામાં આવ્યું છે. જેમાંથી અન્ય ત્રણ ગુજરાતીઓનો પણ તેમના પરિવાર સાથે છેલ્લા છ મહિનાથી સંપર્ક નથી થયો. પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉત્તર ગુજરાતના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામનાં રહેવાસી ચેતનાબેન રબારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ ભરતભાઇને ડિંગુચા અને મહેસાણાના એજન્ટે 70 લાખમાં અમેરિકા મોકલવાના નામે છેતરપિંડી કરી છે. તેમના પતિ મુંબઇથી નેધરલેન્ડ, પોર્ટ ઓફ સ્પેન અને ત્યાંથી યુવકને ડોમિનિકા લઇ જવાયા બાદ છેલ્લા છ મહિનાથી ગુમ છે.
 
4 ફેબ્રુઆરી 2023 પછી પતિ સાથે કોઈ વાત થઈ નથી
તારીખ 8 જાન્યુઆરી 2023ના રોજ ભરતભાઇ અમેરિકાના જવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં એજન્ટ દિવ્યેશભાઇએ ભરતભાઇને મુંબઈ જવાની ફ્લાઇટમાં બેસાડ્યા હતા. મુંબઇ પહોંચ્યા બાદ ભરતભાઇએ પત્નીને ફોન કરીને જણાવ્યું હતું કે મુંબઇથી હું પહેલા એમસ્ટર્ડમ જવાનો છું. ત્યાં ચાર-પાંચ દિવસ રોકાઇને પોર્ટ ઓફ સ્પેન જઇશ. પોર્ટ ઓફ સ્પેન પહોંચ્યા બાદ ભરતભાઇએ પત્નીને ફોન કર્યો હતો કે હવે અહીંથી ડોમિનિકા જવાનું છે. ભરતભાઇ ડોમિનિકા પહોંચ્યા હતા અને આ દરમિયાન 15 દિવસ સુધી પતિ-પત્ની વચ્ચે ફોન પર વાત થઇ હતી. પરંતુ 4 ફેબ્રુઆરી 2023 પછી પતિ સાથે કોઈ વાત થઈ નથી.પતિ સાથે ઘણા દિવસો સુધી સંપર્ક ન થતાં પત્ની ચેતનાબેને તેમનાં બે કુટુંબીજનોને એજન્ટ દિવ્યેશભાઇને મળવા માટે મોકલ્યા હતા. દિવ્યેશભાઇએ તેમની ઉપરના એજન્ટ સાથે મુલાકત કરાવી હતી. 
 
પ્રાંતિજ પોલીસે એજન્ટ દિવ્યેશકુમારની ધરપકડ કરી
તેમણે કહ્યું હતું કે, ભરતભાઇ હાલ માર્ટિનીક્યુ ખાતે છે અને તેમની સાથે બીજા ગુજરાતીઓ પણ છે. જેથી દસ-પંદર દિવસમાં તમારા પતિ સાથે વાતચીત થઇ જશે અને અમેરિકા પહોંચી જશે. જોકે પંદર દિવસ ઉપર પણ સમય થઇ જવા છતાં પતિનો કોઇ સંપર્ક થયો નહોતો.જેથી ચેતનાબેન ફરી એકવાર કુટુંબીજનો સાથે મહેન્દ્રભાઇને મળવા ગયા હતા. મહેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે અમારા પર વિશ્વાસ રાખો. તમારા પતિ ભરતભાઇની સાથે બીજા આઠ માણસ પણ છે. તમે ચિંતા ના કરો. તમારા પતિ સાથે પણ વાત થઈ જશે અને તેઓ અમેરિકા પણ પહોંચી જશે, જેથી ચેતનાબેન દ્વારા પતિ સાથે અન્ય ગુજરાતીઓ હતા, તેમના પરિવારની સાથે મુલાકાત કરી તો તેમનો પણ તેમનાં પરિવારજનો સાથે છેલ્લા સાત મહિનાથી સંપર્ક નથી થયો એમ જાણવા મળ્યું હતું.આ સમગ્ર મામલે હાલ પ્રાંતિજ પોલીસે આરોપી એજન્ટ દિવ્યેશકુમારની ધરપકડ કરી લીધી છે.