પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને શ્વાસ લેવામાં તકલીફ પડતા યુએન મહેતા હોસ્પિટલ ખસેડાયા
રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની એકાએક તબિયત લથડી છે. ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને મોડી રાત્રે બે વાગ્યા આસપાસ એકાએક તેમને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતાં તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોંચ્યા હતા.
તબીબી તપાસ દરમિયાન તેમને નળીમાં બ્લોકેજ માલુમ પડતાં તેમની બાયપાસ સર્જરી કરવામાં આવશે. હાલ વિશેષ તબીબોની ટીમ તેમની સારવાર કરી રહી છે. સાંજે 4 વાગ્યા બાદ ચુડાસમાની બાયપાસ સર્જરી કરવામાં આવશે. સર્જરી બાદ તેમને 3 દિવસ સુધી આઈસીયુમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે.
ગુજરાત ભાજપના સૌથી સિનિયર નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચૂંટણીમાં થયેલી જીતને હાઇકોર્ટે રદ કરી દીધી હતી. ત્યારે માત્ર ભાજપ નહીં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની 30 વર્ષ કરતાં વધુ સમયની રાજકીય કારકિર્દી પર મોટો ડાઘ લાગ્યો હતો. બાપુના હુલામણા નામથી ભાજપમાં એક સન્માનનીય વ્યક્તિ તરીકે ભુપેન્દ્રસિંહનું સ્થાન છે.74 વર્ષની વયના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગુજરાત ભાજપમાં 33 વર્ષ કરતાં વધુ સમયથી સક્રિય રીતે કામ કરી કરતા આવ્યા છે. તેઓ એક શાંત, સૌમ્ય અને સિનિયર આગેવાનો તરીકેની છાપ ધરાવે છે.
33 વર્ષની પોતાની રાજકીય કારકિર્દીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાજપ સંગઠનથી માંડીને સરકારમાં અનેક હોદ્દાઓ અને મંત્રી પદ પર રહી ચૂક્યા છે.1990થી 2020 સુધી મંત્રી પદે રહ્યા હતા. જ્યારે 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા વિધાનસભામાંથી ચૂંટાયા બાદ તેઓ પ્રથમ વખત શિક્ષણ મંત્રી અને કાયદા મંત્રી બન્યા હતા.