રાહુલ ગાંધીના કેસમાં હાઈકોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ગાંધી આશ્રમ પાસે મૌન ધરણાં યોજ્યા
પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં પક્ષના કાર્યકરો અને નેતાઓએ મૌન સત્યાગ્રહ શરૂ કર્યો
રાહુલ ગાંધી સુપ્રીમમાં અરજી કરે તે પહેલાં જ ફરિયાદી પૂર્ણેશ મોદીએ સુપ્રીમમાં કેવિયેટ પીટિશન દાખલ કરી
Gujarat Congress Protests - શહેરમાં ગાંધી આશ્રમની સામે આજે કોંગ્રેસ દ્વારા મોન સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને માનહાની કેસમાં હાઈકોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યાં છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં પક્ષના કાર્યકરો અને નેતાઓએ મૌન ધરણાં યોજ્યાં હતાં. કોંગ્રેસના નેતાઓએ હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસના કાર્યકર્તાઓએ મૌન ધરણાં કર્યા
રાહુલ ગાંધીને મોદી સરનેમને લઈ ચાલી રહેલા માનહાની કેસમાં હાઈકોર્ટ તરફથી ઝટકો મળ્યો હતો. સુરતની સેશન્સ કોર્ટ બાદ ગુજરાત હાઈકોર્ટે પણ રાહુલ ગાંધીને રાહત નહોતી આપી અને સજા પર સ્ટે માગતી અરજીને ફગાવી દીધી હતી. કોંગ્રેસના કાર્યકરોએ અપેક્ષાથી વિપરિત નિર્ણય આવતાં વિરોધ નોંધાવ્યો છે. આ સમયે ગાંધી આશ્રમ સામે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરશે
2019માં રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીમાં જનસભાને સંબોધિત કરતાં કહ્યું હતું કેસ, મોદી સરનેમ વાળા બધા ચોર હોય છે. આ ટીપ્પણીને લઈને કોર્ટમાં અરજી કર્તાએ કહ્યું હતું કે,રાહુલ ગાંધીની આ ટિપ્પણી સમગ્ર મોદી સમાજનું અપમાન છે. આ ટિપ્પણીથી મોદી સમાજ દુઃખી થયો છે, તેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. હાઈકોર્ટના ચુકાદા બાદ હવે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરશે તે પહેલાં જ પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ પીટિશન દાખલ કરી દીધી છે.
સુપ્રીમમાં પૂર્ણેશ મોદીની કેવિયેટ પીટિશન
ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુપ્રીમમાં કરેલી અરજીમાં કહ્યું હતું કે, જો રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરે અને તો તેમની સામે અમરો પક્ષ પણ સાંભળવો જોઈએ.સુપ્રીમ કોર્ટે તેમનો પક્ષ સાંભળ્યા વિના કોઈ આદેશ કે નિર્દેશ જારી ના કરવો જોઈએ. પૂર્ણેશ મોદીએ કેવિયેટ પીટિશન દાખલ કરીને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો કર્યો છે.