અમદાવાદમાં ફૂડ ડિલીવરી એપથી રેસ્ટોરન્ટમાંથી ફૂડ મંગાવ્યું, શાકમાંથી 2 ઈંચ જેટલો મોટો લાકડાનો ટુકડો નીકળ્યો
ઓનલાઈન ફૂડ મંગાવનારાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદમાં બન્યો છે. શહેરમાં રાણીપમાં રહેતા એક વ્યક્તિને કડવો અનુભવ થયો છે. આ વ્યક્તિએ ફૂડ ડિલિવરી એપથી રેસ્ટોરન્ટમાંથી ફૂડ ઓડર કર્યું અને જયારે તે જમવા બેઠા ત્યારે પનીર બટર મસાલા સબ્જીમાંથી 2 ઇંચનો લાકડાનો ટુકડો નીકળ્યો હતો. રેસ્ટોરન્ટના મેનેજરે પહેલાં ભૂલ માનવાને બદલે કહ્યું કે આ તજનો ટુકડો છે પછી લાકડાનો ટુકડો જોઈને ભૂલ સ્વીકારી હતી.
ભોગબનનાર વ્યક્તિએ રેસ્ટોરન્ટને ભૂલ સ્વીકારવા કહ્યું જોકે તે માનતા તેઓ વિરુદ્ધ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના રાણિપ વિસ્તારમાં રહેતા મોહિત ભાઈ નામના વ્યક્તિએ ફૂડ ડીલિવરી એપથી ફૂડ ઓર્ડર કર્યું હતું. તેમનું કહેવું છે કે તેઓ અવારનવાર ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતાં હોય છે. તેમણે નારણપુરાની SEOSAN 9 રેસ્ટોરન્ટમાંથી ફૂડનો ઓર્ડર કર્યો હતો. ઘરે આવેલા ફૂડને લઈને હું જ્યારે જમવા બેઠો ત્યારે સબ્જી પનીર બટર મસાલામાંથી 2 ઈંચનો લાકડાનો ટુકડો નીકળ્યો હતો. ત્યાર બાદ બાકીનું ફૂડ બાજુમાં મુકીને રેસ્ટોરન્ટમાં કોલ કરીને જાણ કરી હતી. ત્યારે રેસ્ટોરન્ટના મેનેજરે કહ્યું હતું કે હું આપના ઘરે આવીને ચેક કરું છું. મેનેજર ઘરે આવ્યાં ત્યારે તે મારા માટે ગુલાબજાંબુ અને બીજી સબ્જી લઈને આવ્યાં હતાં. મેં તેમને બતાવ્યું કે આ લાકડાનો ટુકડો છે. ત્યારે મેનેજરે પહેલાં કહ્યું કે આ તજ છે. બાદમાં મોટી રકઝક બાદ તેમણે સ્વીકાર્યું હતું કે આ લાકડાનો ટુકડો છે.
મેનેજરે સ્વીકાર્યું હતું કે આમાં જે જવાબદાર હશે તેની સામે હું પગલાં લઈશ. પરંતુ કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યાં નથી.આ પ્રકારનો બનાવ અન્ય સાથે ના બને તે માટે મેં ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી છે. ગ્રાહક સુરક્ષાએ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર અને AMCના હેલ્થ ઓફિસરને પત્ર લખીને તાત્કાલિક આ રેસ્ટોરન્ટ પર પગલાં ભરવા માટે માંગણી કરી છે.