અમદાવાદમાં વિઝા માટે નકલી માર્કશીટનું રેકેટ પકડાયું, લાખો પડાવી લોકોને વિદેશ મોકલતા ત્રણ ઝડપાયા
એલિસબ્રિજ પોલીસે આંબાવાડીના ગ્રાન્ડ મોલમાંથી ગુજરાત બોર્ડના અસલ લોગો લગાવી તૈયાર થતી નકલી માર્કશીટ બનાવવાનું રેકેટ ઝડપી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે રેડ કરતા વિદેશ જવા ઇચ્છતા પેસેન્જરોને વિઝા અપાવવા માટે આ રેકેટ ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે.એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.ડી.પટેલે બાતમી મુજબ આંબાવાડીના ગ્રાન્ડ મોલ ખાતે ત્રીજા માળે આવેલી યુનિવર્લ્ડ નામની ઓફિસમાં શુક્રવારે બપોરે દરોડા પાડી ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ ઓફિસના સંચાલક મનીષભાઈ સુરેન્દ્રભાઈ ઝવેરી (ઉં,51)રહે, ચંદનબાળા સુવિધા શોપિંગ સેન્ટરની સામે પાલડી, નીરવ વિનોદ વખારીયા (ઉં,46)રહે, સિલ્વર નેસ્ટ, આઇસીબી ફ્લોરા સામે, ગોતા અને જીતેન્દ્ર ભવાનભાઈ ઠાકોર ઉં,40,રહે, સુભદ્રાપુરા, ઠાકોર વાસ, ગુલબાઈ ટેકરાવાળો ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાના વેપલો કરતો હતો. આરોપીઓની પૂછપરછમાં ખૂલેલી વિગત મુજબ વિદેશ ઇચ્છતા લોકોની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની અસલ માર્કશીટ લઈ આરોપીઓ તેમાંથી ગુજરાત બોર્ડનો અસલ લોગો અને સિક્કો કાઢી માર્ક સુધારી તૈયાર થયેલી નકલી માર્કશીટ પર આ લોગો અને સિક્કો લગાવી દેતા હતા. આમ વિદેશ જવા ઇચ્છતા લોકોને વિઝા અપાવવા માટે આ રેકેટ ચાલતું હોવાનું ખુલ્યું હતું.પોલીસને સ્થળ પરથી 35 જેટલી નકલી માર્કશીટ મળી આવી હતી. પોલીસ તપાસમાં ઓફિસમાંથી રૂ.23,75,200ની રોકડ, 60 હજારનું કોમ્પ્યુટર, 27 હજારના મોબાઈલ ફોન અને પૈસા ગણવા માટેનું રૂ.બે હજારનું મશીન મળી કુલ રૂ.24,64,200નો મુદ્દામાલ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે.